શ્રી કૃષ્ણની જન્મકુંડળી તેમજ ચંદ્રકુંડળી એક જ છે. વૃષભ લગ્નની આ કુંડળીમાં લગ્ને ચંદ્ર ઉચ્ચનો છે, ત્રીજે ગુરુ ઉચ્ચનો છે, છઠ્ઠે શનિ ઉચ્ચનો છે અને નવમે મંગળ ઉચ્ચનો છે. ઉપરાંત સૂર્ય, શુક્ર, રાહુ અને કેતુ આ ચાર ગ્રહો સ્વગૃહી છે. આમ ચાર ગ્રહો ઉચ્ચના છે અને ચાર ગ્રહો સ્વગૃહી છે. નવમો ગ્રહ બુધ ચોથા સ્થાનમાં સ્વગૃહી સૂર્યની સાથે છે.
આ ઉપરાંત પણ આ કુંડળીમાં કેટલીક અદ્ભુત વિશેષતાઓ છે. ઉચ્ચનો ગુરુ અને ઉચ્ચનો મંગળ પરસ્પર દૃષ્ટિ કરીને ઉચ્ચ ‘માંગલ્યયોગ’ સર્જે છે. ઉપરાંત ઉચ્ચનો મંગળ ઉચ્ચના ચંદ્રની સાથે નવમ-પંચમયોગ કરે છે. આ પણ એક ઉચ્ચ ‘માંગલ્યયોગ’ છે. તે જ રીતે છઠ્ઠા સ્થાનમાં ઉચ્ચના શનિની સાથે સ્વગૃહી શુક્ર છે. આમ એક જ સ્થાનમાં એક ગ્રહ ઉચ્ચનો છે તો બીજાે ગ્રહ સ્વગૃહી છે. ગ્રહોની આ સ્થિતિ પણ કુંડળીને અસાધારણ બળ આપે છે.
સમગ્ર રીતે આ કુંડળી આધ્યાત્મિકતાની પરાકાષ્ટા સાથે પરાક્રમની પણ પરાકાષ્ટા ધરાવે છે. તેના બળમાં જેટલી દિવ્યતા છે તેટલી જ ભવ્યતા પણ છે. તેણે શ્રી કૃષ્ણને એક ગોવાળમાંથી એક અવતારી પુરુષ બનાવી દીધા છે!
કૃષ્ણની કુંડળીના પ્રથમ સ્થાનમાં ઉચ્ચનો ચંદ્ર છે. પ્રથમ સ્થાન એ આત્માનું સ્થાન છે અને ચંદ્ર એ મનનો ગ્રહ છે. આમ પ્રભુના આત્માના ઘરમાં તેમનું મન પોતાનું ઉચ્ચ બળ ધારણ કરીને બિરાજી રહ્યું છે! પ્રથમ સ્થાન જાે આત્માનું છે તો ચોથું સ્થાન મનનું છે. કૃષ્ણની કુંડળીના આ સ્થાનમાં સૂર્ય સ્વગૃહી થઇને બેઠો છે. સૂર્ય આત્માનો ગ્રહ છે. આમ પ્રભુના મનના ઘરમાં તેમનો આત્મા પોતાનું ઘર બનાવીને બેઠો છે! એટલે કે કૃષ્ણના આત્માના ઘરમાં તેમનું મન વસે છે અને મનના ઘરમાં તેમનો આત્મા વસે છે! આ એક અદ્ભુત યોગ છે જે તેમના મન અને આત્મા એ બંનેને અત્યંત બળવાન, પરાક્રમી તેમજ અપરાજીત બનાવે છે. તેમના જીવનમાં તેમના આ સામર્થ્યનું દર્શન વારંવાર થાય છે. સૌથી વધુ પ્રભાવિત કરે છે તેમણે આપેલું ગીતાજ્ઞાન! અલૌકિક આત્મતત્ત્વ અને અસાધારણ મનોસત્ત્વ ધરાવતો અવતારી પુરુષ જ યુદ્ધના મેદાનમાં અધ્યાત્મનું ગીત ગાઇ શકે! મહાભારતનું યુદ્ધ લડ્યા હતા તો પાંડવો પરંતુ તેમાં અધર્મની સામે ધર્મનો વિજય થયો હતો એક માત્ર કૃષ્ણના કારણે!
કુંડળીનું ત્રીજું સ્થાન પરાક્રમનું સ્થાન છે. તેમાં ઉચ્ચનો ગુરુ છે. ગુરુ એ ધર્મ, સાત્ત્વિકતા, જ્ઞાન, સુખ તથા સમૃદ્ધિનો ગ્રહ છે. તે ઉચ્ચના મંગળની દૃષ્ટિમાં છે. મંગળ એ સાહસ, શક્તિ તથા પરાક્રમનો ગ્રહ છે. આ બંને ઉચ્ચના ગ્રહો પરસ્પરની દૃષ્ટિમાં રહીને પરસ્પરનું બળ વધારી રહ્યા છે. આ કારણે કૃષ્ણના જીવનમાં ગુરુની સાત્ત્વિકતા, ધર્મ, જ્ઞાન, સુખ તથા સમૃદ્ધિ ઉત્તમ કક્ષાનાં હતાં અને આ બધાંને મંગળનાં સાહસ, શક્તિ તથા પરાક્રમનું બળ મળ્યું હતું. આવો મહાપુરુષ જ કર્મને ધર્મનું અને ધર્મને કર્મનું સ્વરૂપ આપી શકે.
કુંડળીનું નવમું સ્થાન ભાગ્ય તથા ધર્મનું સ્થાન છે. તેમાં રહેલો ઉચ્ચનો મંગળ ઉચ્ચના ગુરુની દૃષ્ટિમાં રહીને ઉચ્ચના ચંદ્ર સાથે નવમ-પંચમયોગ કરી રહ્યો છે. આ એક ઉત્તમ મહામાંગલ્યયોગ છે. એ પણ જુઓ કે ભાગ્યસ્થાનનો સ્વામી શનિ પણ ઉચ્ચનો છે અને સ્વગૃહી શુક્રની સાથે બિરાજી રહ્યો છે.
આમ કુંડળીમાં ભાગ્યને લગતા એકથી વધારે ઉત્તમ યોગો સર્જાયા છે. આ યોગોએ કૃષ્ણને કેવું ઉત્તમ ભાગ્ય આપ્યું છે તે જુઓ.
ઉચ્ચના મંગળે તેમને ઉત્તમ પરાક્રમી બનાવ્યા, ઉચ્ચના શનિએ ઉત્તમ પુરુષાર્થી બનાવ્યા અને ઉચ્ચના ગુરુએ ઉત્તમ ધર્માત્મા બનાવ્યા!
કુંડળીમાં હજુ પણ એક વધુ ઉત્તમ યોગ છે. ભાગ્યસ્થાનમાં ઉચ્ચનો મંગળ છે અને ભાગ્યનો સ્વામી શનિ ઉચ્ચનો થઇને શુક્રના ઘરમાં શુક્રની સાથે જ બેઠો છે. શુક્ર પ્રેમનો ગ્રહ છે. તેણે કૃષ્ણને રાધાનો દિવ્ય પ્રેમ આપ્યો. શનિએ બંનેનો વિરહ જરૂર કરાવ્યો પરંતુ તેમાં પણ પ્રેમની ઉત્તમતા જ પ્રગટ થઇ!
કૃષ્ણના સંસારસુખની વાત કરીએ. સંસારસુખ માટે કુંડળીનું સાતમું સ્થાન જાેવાય છે. આ સ્થાન જાહેર જીવન પણ દર્શાવે છે.
કુંડળીમાં આ સ્થાનનો સ્વામી મંગળ ઉચ્ચનો થઇને ભાગ્યસ્થાનમાં બિરાજે છે. તે દર્શાવે છે કે કૃષ્ણનું સાંસારિક જીવન માંગલ્યમય, સુખમય તથા ઉત્તમ હતું. તેમણે પોતાના જાહેર જીવનમાં પણ લોકોના માંગલ્ય માટે જ કાર્યો કર્યાં હતાં.