વડોદરા
એમ.એસ.યુનિવર્સીટી દ્વારા લેવામાં આવેલી પીએચડી માટેની એન્ટ્રન્સ ટેસ્ટમાં ૫૦૦થી વધુ ઉમેદવારો પસંદ થયા હતા. જાેકે, ત્યારબાદ પીએચડી માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે ખુબ ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતા યુનિવર્સીટી દ્વારા તમામ ફેકલ્ટી ડીન ને પસંદગી પામેલ ઉમેદવારો સાથે મિટિંગો યોજીને રજીસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરવાના આદેશો આપ્યા હતા. તેમ છતાં આજે રજીસ્ટ્રેશન માટેનો છેલ્લો દિવસ વીતી ગયો હોવા છતાં ૪૦% જેટલા વિદ્યાર્થીઓએ હજુ સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું નથી.
વિશ્વ વિખ્યાત એમ.એસ.યુનિવર્સીટીમાંથી પીએચડી કરવા ઇચ્છતા સેંકડો ઉમેદવારોએ યુનિવર્સીટી દ્વારા યોજવામાં આવેલી પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ આપી હતી. ૩જી ઓક્ટોબરના રોજ તેના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ૫૦૦થી વધુ ઉમેદવારો પસંદ થયા હતા. પસંદ થયેલા ઉમેદવારોએ એમ.એસ.યુનિ.માંથી પીએચડી શરુ કરવા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડતું હોય છે. જેના માટે યુનિવર્સીટી દ્વારા ૧૨ ડિસેમ્બર છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી હતી. જાેકે, પરિણામો જાહેર થયા બાદથી જ પીએચડી રજીસ્ટ્રેશન માટેની કામગીરી મંદ ગતિએ ચાલી રહી હતી. જેને લઈને યુનિવર્સીટી સત્તાધીશોએ તમામ ફેકલ્ટી ડિન ને પોતપોતાની ફેકલ્ટીમાંથી પીએચડી માટે પસંદગી પામેલા ઉમેદવારો સાથે મિટિંગો યોજીને રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી હતી. તેમ છતાં પણ આજે પીએચડી રજિસ્ટ્રેશનનો છેલ્લો દિવસ વીતી ગયો હોવા છતાં હજુ સુધી ૪૦% રજીસ્ટ્રેશન બાકી હોવાની માહિતી સાંપડી છે.