ગાંધીનગર-
રાજ્યમાં પોતાનું નવમું બજેટ રજૂ કરતાં નાણાંમંત્રી નીતિન પટેલે આવશ્યક એવા તમામ સેક્ટરોને માટે નાણાંકીય જોગવાઈઓનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે ગુજરાતનું આજદીન સુધીનું અને 2,87,029 કરોડનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું.
પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવાના રાજ્ય સરકારના ધ્યેયને પાર પાડવા માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી હતી. આ માટે નાણાંમંત્રીએ જાહેરાત કરી હતી કે 488 કરોડ રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું છે.
કેવડિયાની આસપાસના 50 કિ.મીમાં કમલમ ફ્રૂટના બે લાખના વાવેતર માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામેલા કેવડિયા ખાતેના આદિવાસી સંસ્કૃતિ કલા અને લોકસાહિત્યના પ્રસાર કરવા માટે રાજ્યમાં પ્રથમ વખત સરકારની સહાયથી કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે.