વડોદરા,તા.૨૩
વડોદરા મહાનગર પાલિકા હસ્તકના ઢોર ડબ્બામાંથી ૧૫ ઢોરોની ચોરી થવાની ઘટનાની બે માસ પછીથી પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેની પાછળ આ ઢોર ડબ્બાઓને આઉટ સોર્સીંગથી ખાનગી સંસ્થાઓને હવાલે કરવા માટેનું પાછલા દરવાજે કાવતરું હોવાની આશંકા સેવાઈ રહી છે. જયારે ઢોર ચોરીની ફરિયાદ નોંધાય છે. એ ટાણે જ સ્થાયીમા પાલિકા હસ્તકના ત્રણે ત્રણ ઢોર ડબ્બા એનજીઓ અને અન્યોને આઉટ સોર્સીંગથી આપવા માટેની દરખાસ્ત લાવવામાં આવી છે. જે આ બાબતને આડકતરું સમર્થન પૂરું પાડી રહી છે. પાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત અભિયાન થકી ઢોરો પકડીને ઢોર ડબ્બામાં પુરવામાં આવે છે. આ ઢોર ડબ્બાઓની તમામ પ્રકારની કામગીરી જેવી કે પશુઓ, ગાયોની દેખરેખ, સાર-સંભાળ, સારવાર, અન્ય પાંજરા પોળ-ગૌશાળામાં પશુઓને શિફ્ટ કરવા તથા તમામ ઢોર ડબ્બાઓના સ્થળે સૅનેટાઇઝેશનની કામગીરી કરવા સહિતની કામગીરી હવે ખાનગી સંસ્થાઓ અને એનજીઓના હવાલે કરવાના ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે. જે અંગે આગામી સ્થાયી સમિતિની ૨૪ સપ્ટેમ્બરના રોજ મળનાર મિટિંગમાં ર્નિણય લેવાશે. જેમાં બે સંસ્થાઓના ભાવપત્રકો મંજુર કરાશે. લાલબાગ ઢોર ડબ્બાને માટે બરાનપુરાના માધુરી એજ્યુકેશન ટ્રસ્ટનું પ્રતિમાસ રૂ.૨.૯૮ લાખ લેખે વાર્ષિક રૂ.૩૫,૮૪,૪૦૦/-લાખના ભાવ આવેલ છે. આજ મુજબ ખાસવાડી ઢોર ડબ્બાને માટે તરસાલીના જય અંબે સેનેટરી માર્ટ અને ઉ.ઔ. સહકારી મંડળીનું પ્રતિમાસ રૂ.૨,૭૪,૮૦૦/- લાખ લેખે વાર્ષિક રૂ.૩૨,૯૭,૬૦૦/-લાખનું તેમજ ખતંબા ઢોર ડબ્બાને માટે આજ સંસ્થાનું પ્રતિમાસ રૂ.૪,૦૧,૩૦૦ લાખ લેખે વાર્ષિક રૂ.૪૮,૧૫,૬૦૦/-નો ભાવ આપેલ છે. આ ત્રણે ઢોર ડબ્બા પાછળ પ્રતિમાસ પાલિકાને કુલ રૂ.૯,૭૪,૮૦૦/-લાખનો અને વાર્ષિક રૂ.૧,૧૬,૯૭,૬૦૦/-નો આર્થિક બોજો પડશે. જેઓ ઢોરોની વિશેષ ઓળખને માટે માઈક્રો ચિપ લગાવશે.