વડોદરા, તા.૧૧
રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય બાદ આવતીકાલે રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રીના નેજા હેઠળ નવા મંત્રીમંડળની રચના કરવામાં આવશે. ત્યારે આ નવા મંત્રીમંડળમાં વડોદરા શહેર- જિલ્લામાંથી ભાજપના કયા ધારાસભ્યને સ્થાન મળશે તે ચર્ચા ટોક ઓફ ઘ ટાઉન છે. ભારે ઉત્સુકતા વચ્ચે ખુદ ધારાસભ્યો પણ અસમંજસ સ્થિતિમાં છે અને તમામ રાજકીય ગતિવિધિઓ વચ્ચે શહેર-જિલ્લાના ચૂંટાયેલા ભાજપના ૯ ધારાસભ્યમાંથી કોઇપણ આ મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. પરંતુ મનમાં અનેક આશાઓ છે. કારણ ટિકિટ ફાળવણીથી લઇ મંત્રીમંડળમાં સ્થાન અંગે ભાજપે અનેકવાર એવા નિર્ણયો લીધા છે કે ભાજપના સ્થાનિક સંગઠન પાર્ટીના અગ્રણીઓ પણ તેનાથી અજાણ હોય છે. ત્યારે આવતીકાલે મંત્રીમંડળની રચના થશે તેમાં વડોદરા શહેર-જિલ્લામાંથી આ વખતે અનેક ધારાસભ્યો પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. હાલ તો તમામ ભાજપના ૯ ધારાસભ્યો એમ માને છે કે તેમનું નામ પણ મંત્રીમંડળમાં હોઇ શકે છે.
શહેરમાંની પાંચ બેઠકો પર ચૂંટાયેલા ધારાસભ્યોમાં સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ પણ પ્રબળ દાવેદાર છે. ત્યાર બાદ રાવપુરા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય બાળુ શુકલનું નામ પણ મંત્રી માટે મોખરે છે. મનીષા વકીલ ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના સભ્ય છે અને તેમને ફરીથી મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી આશા તેઓ રાખી રહ્યા છે. જ્યારે નવા ચહેરાઓમાં ચૈતન્ય દેસાઇ અને કેયુર રોકડિયાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી આશા સાથે ઉત્સુકતાથી મંત્રીમંડળ માટેની જાહેરાતની રાહ જાેઇ રહ્યા છે.જિલ્લાની ચાર બેઠકો, સાવલી, કરજણ, ડભોઇ અને પાદરા બેઠકો પર વિજેતા થયેલ ભાજપના ઉમેદવારો પૈકી પાદરાની બેઠક પર જ નવો ચહેરો ચૈતન્યસિંહ ઝાલા ચૂંટાયા છે. જ્યારે ત્રણ ધારાસભ્યો કરજણના અક્ષય પટેલ, ડભોઇના શૈલેષ મહેતા અને સાવલીથી કેતન ઇનામદાર આ ત્રણેય ધારાસભ્યો પણ મંત્રીમંડળમાં સ્થાન મેળવવા પ્રબળ દાવેદાર છે. છેલ્લા ૨૭ વર્ષોથી ભાજપે જિલ્લામાંથી કોઇપણ ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન આપ્યું નથી, એટલે આ ચાર પૈકી ત્રણ ધારાસભ્યોમાં પણ ભારે ઉત્સુકતા જાેવા મળી રહી છે કે તેમને પણ મંત્રી બનાવવામાં આવે.
મોડી રાત્રે ધમેન્દ્ર વાઘેલા અને અમિત શાહને મળવા ગયાની અટકળો
વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધમેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જાેડાશે તેવી રાજકીય ચર્ચાઓએ જાેર પકડયું છે. અને આ તમામ સંભાવના વચ્ચે ગત મોડી રાત્રે ધર્મેન્દ્ર વાઘેલા અમિત શાહને મળવા ગયાની અકટળો થઇ રહી છે. ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે વિજેતા બન્યા પછી ધમેન્દ્ર વાઘેલાએ શું તમે ભાજપમાં જાેડાશો તેવો પ્રશ્ન પૂછતાં તેમણે જણાવ્યું હતું કે મારા મતદારો-જનતાને વિશ્વાસમાં લઇને નિર્ણય કરીશ અને તમામ ગતિવિધિઓ વચ્ચે ધમેન્દ્ર વાઘેલા બે દવિસો અગાઉ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને મળ્યાની પણ ચર્ચા છે. તમામ રાજકીય ચર્ચાઓ વચ્ચે ધમેન્દ્ર વાઘેલા ભાજપમાં જાેડાવવાનો નિર્ણય લઇ ચૂકયા હોવાની વાતો વચ્ચે તેઓ ભાજપમાં વિધિવત જાેડાઇ જશે તેવી શકયતાઓ પ્રબળ બની છે.
રાજ્યના તમામ સમૂદાયો અને અનુભવોના સંતુલન વચ્ચે મંત્રીમંડળ રચવાની કવાયત
રાજ્યમાં ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ૧૫૬ ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી ૬૩ સીટીંગ ધારાસભ્યો અને ૨૨ પૂર્વ ધારાસભ્યો ચૂંટાયા છે અને બાકીના ધારાસભ્યો પ્રથમવાર ચૂંટાયા છે. હવે રાજ્ય મંત્રીમંડળનું કદ કેટલું મોટું રાખવામાં આવે છે તેના પર પણ મંત્રીમંડળમાં કોને સ્થાન મળે છે તે અવલંબે છે. રાજ્યમાં ૨૭ સદસ્યોનું મંત્રીમંડળ બને તેવી સંભાવના છે. ત્યારે ગુજરાત મંત્રીમંડળ રચવા માટેની કવાયત દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના મોવડીઓની ઉપસ્થિતિમાં ચર્ચાઓ થઇ ચૂકી છે અને મંત્રીઓમાં સ્થાન આપતાં પહેલાં તે સદસ્ય અંગે તમામ પ્રકારની માહિતી સાથે ચર્ચા કરવામાં આવી છે. ત્યારે રાજ્યમાં વિવિધ સમાજ, ભૌગલિક ક્ષેત્ર, અનુભવ, મહિલાઓ આ તમામ પાસાઓ વચ્ચે સંતુલન સાધી મંત્રીમંડળ રચવાની તૈયારીઓ થઇ ચૂકી છે.