ગાંધીનગર ગુજરાત સરકારના મુખ્યમંત્રી પદે ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળના સભ્યોએ શપથ ગ્રહણ કર્યા બાદ આજે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીઓને ચેમ્બરની ફાળવણી કરવામાં આવતા ચાર કેબિનેટ મંત્રી સહિત ૬ મંત્રીને બાદ કરતાં તે સિવાયના તમામ મંત્રીઓએ આજથી વિધિવત ચાર્જ લઈને ખુરશી સંભાળી હતી. જેમાં સૌ પ્રથમ કેબિનેટ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને બ્રિજેશ મેરજાએ પોતાને ફાળવાયેલી ચેમ્બરમાં પ્રવેશ કરીને ખુરશી ઉપર બેસીને વિધિવત કામગીરી શરૂ કરી હતી. જ્યારે બીજી તરફ રૂપાણી સરકારના મંત્રીઓ પોતાના બંગલા અને ઓફિસ ધીરે ધીરે છોડવા માંડ્યા છે. શ્રાદ્ધ પહેલાં જ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે વહેલી સવારથી એક પછી એક મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે. સૌથી પહેલા શિક્ષણમંત્રી જિતુ વાઘાણી, શ્રમ અને રોજગાર મંત્રી (સ્વતંત્ર હવાલો) બ્રિજેશ મેરજા અને કૃષિમંત્રી રાઘવજી પટેલે ચાર્જ સંભાળ્યો હતો. ત્યાર બાદ સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી પ્રદીપ પરમાર, આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલ, માર્ગ-મકાન-વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, કુટીર ગૃહ ઉદ્યોગ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) જગદીશ પંચાલ, કલ્પસર અને મત્સ્યોદ્યોગ મંત્રી (સ્વતંત્ર હવાલો) જીતુ ચૌધરી, પશુપાલન અને ગૌ સંવર્ધન રાજ્ય મંત્રી દેવાભાઈ માલમ, મહિલા અને બાળકલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનાં મંત્રી મનીષા વકીલ, શિક્ષણ રાજ્ય મંત્રી કીર્તિસિંહ વાઘેલા, સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રાઘવ સી. મકવાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી વિનોદ મોરડિયા, અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી નિમિષા સુથારે આજે પોતાની ચેમ્બરમાં પ્રવેશ કરીને મંત્રી પદનો ચાર્જ સંભાળ્યો હતો. તમામ મંત્રીઓએ મંત્રીપદનો ચાર્જ સંભાળ્યો ત્યારે તેમના પરિવાર સભ્યો સાથે ઓફિસમાં પ્રવેશ કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આજે ચાર્જ સંભાળ્યો હતો, ત્યારે તેઓ પોતાની સાથે‘ યશસ્વી ભારત, ભગવદ ગીતા અને માય જર્ની વિથ એન આઈડિયોલોજી નામના ત્રણ પુસ્તકો લઈને પોતાની ચેમ્બરમાં આવ્યાં હતાં. તેમણે પરિવાર સાથે પૂજા કર્યા બાદ ગૃહમંત્રી તરીકનો ચાર્જ સ્વીકાર્યો હતો. આ પહેલા તેમણે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના પગલે લાગીને તેમના આર્શીવાદ લીધા હતા. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ચાર્જ સંભાળ્યો હતો ત્યારે પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મીઠાઈ ખવડાવીને જીતુ વાઘાણીનું ચેમ્બરમાં સ્વાગત કર્યુ હતું.
મંત્રીપદ સંભાળતા પૂર્વે મુકેશ પટેલે અંબાજીના દર્શન કર્યા
સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીઓને તેમની ચેમ્બરની ફાળવણી કરવામાં આવી હતી. જેથી આજે મોટા ભાગના મંત્રીઓએ પોતાની ચેમ્બરમાં પ્રવેશ કરીને વિધિવત રીતે મંત્રીપદની ખુરશી ગ્રહણ કરી હતી. ત્યારે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી મુકેશ પટેલે પણ મંત્રીપદનો ચાર્જ સંભાળતા પૂર્વે ગુજરાતનાં શક્તિપીઠ એવા અંબાજી ગયા હતા અને અંબાજી માતાના મંદિરમાં પૂજા અર્ચના કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
ક્યાં ક્યાં મંત્રીઓએ હોદ્દો સંભાળ્યો
કેબિનેટ, સ્વતંત્ર હવાલો અને રાજ્ય કક્ષાના કુલ ૧૮ મંત્રીઓ જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પુર્ણેશ મોદી, રાઘવજી પટેલ, નરેશ પટેલ, પ્રદીપ પરમાર, હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બૃજેશ મેરજા, જીતુ ચૌધરી, મનીષા વકીલ, મુકેશ પટેલ, નિમિષા સુથાર, કીર્તિસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, રાઘવ સી. મકવાણા, વિનોદ મોરડિયા અને દેવાભાઈ માલમનો સમાવેશ થાય છે.
આવતીકાલે ક્યાં મંત્રીઓ ખુરશી સંભાળશે
ચાર કેબિનેટ મંત્રી સહિત છ મંત્રીએ આજે મંત્રીપદનો ચાર્જ સંભાળ્યો ન હતો. આ મંત્રીઓ સોમવારે ચેમ્બરમાં પ્રવેશી મંત્રીપદનો ચાર્જ સંભાળશે. જેમાં રાજેન્દ્ર ત્રિવેદી, કનુભાઈ દેસાઇ, કિરીટસિંહ રાણા, અર્જુન ચૌહાણ, અરવિંદ રૈયાણી અને કુબેર ડિંડોરનો સમાવેશ થાય છે.