દિલ્હી-
કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે દિલ્હીમાં તમામ સ્કૂલો આગામી આદેશ સુધી બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરતાં કહ્યું, કોવિડના વધતાં કેસોને પગલે દિલ્હીમાં તમામ સ્કૂલ (સરકારી, પ્રાઇવેટ સહિત), તમામ ક્લાસિસ આગામી આદેશ સુધી બંધ કરવામાં આવ્યા છે.
દિલ્હી સહિત સમગ્ર દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં શુક્રવારે છેલ્લા ૨૪ કલાકમાં ૧.૩૧ લાખથી વધુ કેસ સામે આવ્યા હતા. દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો, અહીં પણ કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે. દિલ્હીમાં ગુરુવારે ૭૪૩૭ નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે ૨૪ લોકોનાં મોત નિપજ્યાં હતાં. ૧૯ નવેમ્બર બાદ એક દિવસમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા હતા. ૧૯ નવેમ્બરે દિલ્હીમાં ૭૫૪૬ નવા કેસ આવ્યા હતા.
દિલ્હી પેરેન્ટ્સ એસોસિએશને દિલ્હીના ઉપગવર્નર, મુખ્યમંત્રી, કેન્દ્રીય શિક્ષણ મંત્રી સહિત સીબીએસઇ ચેરપર્સનને પત્ર લખી દિલ્હીની તમામ સકારી અને ખાનગી સ્કૂલોને બંધ કરવાની માંગ કરી હતી. દિલ્હી સ્વાસ્થ્ય વિભાગ તરફથી સામે આવેલા આંકડા જણાવે છે કે, ૧ માર્ચથી ૪ એપ્રિલ સુધી દિલ્હીમાં કુલ ૨૭૩૩ બાળકો સંક્રમિત થયા છે. આ એ જ બાળકો છે જે સ્કૂલ જતાં હતાં.