અલકા યાજ્ઞિક ક્વીન ઑફ પ્લેબેક સિંગિંગ

લેખકઃ સમીર પંચોલી | 

દેશના જાણીતા બોલિવૂડ સિંગર અલ્કા યાજ્ઞિકે પોતે ઈન્સ્ટાગ્રામ દ્વારા જણાવ્યું છે તે પ્રમાણે તેમને રેયર સેંસરી ન્યૂરલ નર્વ હિયરિંગ લોસ થઈ ગયો છે.એટલે કે તેમની સાંભળવાની શક્તિ જતી રહી છે. તેમના જણાવ્યા પ્રમાણે એકવાર ફ્લાઈટમાંથી બહાર આવતી વખતે તેમને અચાનક અહેસાસ થયો કે તે સાંભળી શકતા નથી.આ એક વાઈરલ એટેક હતો.

આજે વાત કરીએ બોલીવુડના આ શ્રેષ્ઠતમ મહિલા પાર્શ્વ ગાયિકા અલકા યાજ્ઞિક વિશે.

અલકા યાજ્ઞિક એક ભારતીય પાર્શ્વગાયિકા છે જે મુખ્યત્વે હિન્દી સિનેમામાં કામ કરે છે.તેઓ ૧૯૯૦ના દાયકાના બોલિવૂડના સૌથી અગ્રણી ગાયકોમાંના એક છે. તેમણે બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, બે બંગાળ ફિલ્મ પત્રકાર સંગઠન પુરસ્કારો અને શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગર માટે રેકોર્ડ સાત ફિલ્મફેર પુરસ્કારો સહિત અનેક એવોર્ડ્‌સ પ્રાપ્ત કર્યા છે.

અલકા યાજ્ઞિકનો જન્મ ૨૦ માર્ચ ૧૯૬૬ના રોજ કોલકાતામાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ધર્મેન્દ્ર શંકર છે.તેમની માતા શુભા ભારતીય શાસ્ત્રીય સંગીતના ગાયિકા હતા.૧૯૭૨માં શાસ્ત્રીય શૈલીમાં પ્રશિક્ષિત, અલકા યાજ્ઞિકે છ વર્ષની ઉંમરે આકાશવાણી (ઓલ ઇન્ડિયા રેડિયો) કલકત્તા માટે ભજન ગાવાનું શરૂ કર્યું હતું.૧૦ વર્ષની ઉંમરે, તેમની માતા તેમને બાળ ગાયિકા તરીકે મુંબઈ લાવ્યા હતા.અલકાને તેનો અવાજ પરિપક્વ થાય ત્યાં સુધી રાહ જાેવાની સલાહ આપવામાં આવી હતી.પરંતુ તેમની માતા મક્કમ રહ્યા હતા.અલકા યાજ્ઞિકને તેમના કોલકાતાના વિતરક તરફથી રાજ કપૂરનો પરિચય પત્ર મળ્યો હતો.રાજ કપૂરે છોકરીની વાત સાંભળી અને તેને જાણીતા સંગીત નિર્દેશક લક્ષ્મીકાંત શાંતારામ કુડાલકરને પત્ર મોકલ્યો.અલકાની ગાયકીથી પ્રભાવિત થઈને લક્ષ્મીકાંતે તેને બે વિકલ્પો આપ્યા-ડબિંગ કલાકાર તરીકે તાત્કાલિક શરૂઆત કરવી અથવા ગાયક તરીકે થોડા વિરામ બાદ.પણ માતા શુભાજીએ તેમની પુત્રી માટે પછીનો ઓપ્શન પસંદ કર્યો.

તેમનું પહેલું ગીત ૧૯૮૦માં ફિલ્મ પાયલ કી ઝંકાર માટે હતું. આ પછી ૧૯૮૧માં લાવારિસનું “મેરે અંગને મેં” ગીત સાથે અલકા સર્વત્ર જાણીતા બની ગયાં હતાં.ત્યારબાદ ફિલ્મ હમારી બહૂ અલકા આવી હતી.૧૯૮૮માં તેમને ફિલ્મ ‘તેઝાબ ના ગીત ‘ એક દો તીન” થી મોટો બ્રેક મળ્યો અને રાતોરાત અલકા યાજ્ઞિક સ્ટાર બની ગયા. જે દિવસે તેમને “એક દો તીન” ગીત રેકોર્ડ કર્યું હતું તે દિવસે તેમને ભારે તાવ હતો. આ ગીતે તેમને શ્રેષ્ઠ મહિલા પાર્શ્વગાયિકા માટેનો પ્રથમ ફિલ્મફેર એવોર્ડ જીતી આપ્યો હતો.હિન્દી ઉપરાંત, તેમણે આસામી, બંગાળી, મલયાલમ, મરાઠી, મણિપુરી, ઉડિયા, પંજાબી, ભોજપુરી, તમિલ, તેલુગુ અને ગુજરાતી સહિત ૨૫થી વધુ ભાષાઓમાં ગાયું છે. ગુજરાતીમાં પ્રફુલ્લ દવે સાથેનું તેમનું ગીત ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય..’ખૂબ જ લોકપ્રિય બની સફળતા પામ્યું હતું.ઉપરાંત ૧૫ પાકિસ્તાની ગીતો પણ ગાયા છે. તેમને વિશ્વભરમાં લાઇવ કોન્સર્ટમાં કલ્યાણજી -આનંદજી અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે ઘણા શો કર્યા છે.તેમના શ્રેષ્ઠ સમય દરમિયાન તેઓ રોજના પાંચ પાંચ ગીતો રેકોર્ડ કરતા હતાં.

અલકા યાજ્ઞિક સૌથી સફળ મહિલા પ્લેબેક ગાયકો અને કલાકારોમાંના એક છે અને તેમણે તેમની બોલિવૂડ કારકિર્દીમાં મોટી સંખ્યામાં મહિલા સોલો ગીતો ગાયા છે.ચાર દાયકાથી વધુની તેમની કારકિર્દીમાં તેમણે એક હજારથી વધુ ફિલ્મો માટે ગીતો ગાયા છે અને ૨૫થી વધુ વિવિધ ભાષાઓમાં એકવીસ હજારથી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે.બીબીસીના ઓલ ટાઈમ ટોચના ચાલીસ બોલિવૂડ સાઉન્ડટ્રેકની યાદીમાં તેમના વીસ ગીતો છે.૨૦૨૨માં ૧૫.૩ અબજ યુટ્યુબ વ્યુઝ સાથે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ્‌સ દ્વારા અલકા યાગ્નિકને વિશ્વના સૌથી વધુ સ્ટ્રીમ કલાકાર તરીકે માન્યતા આપવામાં આવી છે.તે પાકિસ્તાનમાં પણ સૌથી વધુ સાંભળવામાં આવતા કલાકાર છે.

૯૦ના દાયકા દરમિયાન અલકા યાજ્ઞિક અને કવિતા કૃષ્ણમૂર્તિ નાયિકાઓ માટે મોટાભાગના ગીતો ગાતા હતા.અલકા યાજ્ઞિકે ગીતકાર જાવેદ અખ્તર અને સંગીતકાર રાજુ સિંહ સાથે “તુમ યાદ આયે”, જાવેદ અખ્તર અને ગાયક હરિહરન સાથે “તુમ આયે” અને જાવેદ અખ્તર અને ગાયક-સંગીતકાર શંકર મહાદેવન સાથે “શાયરાના” જેવા ખાનગી આલ્બમોમાં કામ કર્યું હતું. તેમણે હનુમાન ચાલીસા અને વિવિધ ભક્તિ ગીતો પણ ગાયા છે.

૧૯૯૩માં અલકા યાગ્નિકે ઇલા અરુણ સાથે “ચોલી કે પીછે ક્યા હૈ” એક મોહક ગીત ગાયું હતું. આ ગીતના શબ્દોના કારણે વિવાદ ઊભો થયો હતો. આ ગીત માટે તેમને બીજાે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. જે તેમણે ઇલા અરુણ સાથે શેર કર્યો હતો.

૨૦૧૨માં તેમણે સોનુ નિગમ સાથે ભારતના રાષ્ટ્રીય સાક્ષરતા મિશનના ભાગ રૂપે ‘શિક્ષા કા સૂરજ’ ગીત ગાયું હતું, જેના માટે તેમને કેન્દ્રીય માનવ સંશાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.આજ વર્ષે હિન્દી સિનેમાના ૧૦૦ વર્ષના પ્રસંગે, કરવામાં આવેલ સર્વેમાં ફિલ્મ તાલના તેમના ગીત “તાલ સે તાલ મિલા” ને સદીના શ્રેષ્ઠ ગીત તરીકે નું ટાઇટલ મળ્યું હતું. અલકા યાજ્ઞિક મહિલાઓના સશક્તિકરણ માટે વિવિધ પ્રોજેક્ટ્‌સમાં પણ સામેલ છે.

ઇન્ડિયન આઇડોલ, સુપરસ્ટાર સિંગર, સ્ટાર વોઇસ ઓફ ઇન્ડિયા, અને સા.રે.ગા.મા.પા લીટલ ચેમ્પિયન્સ જેવા ટેલિવિઝનના સિંગિંગ શોમાં તેઓ જજ તરીકે સેવા આપીને નવી પ્રતિભાઓને નિખાર અને પ્રોત્સાહન આપે છે.

અલકા યાજ્ઞિકે સાત ફિલ્મફેર એવોર્ડ મેળવીને આશા ભોંસલે સાથે મહિલા પ્લેબેક સિંગર દ્વારા સૌથી વધુ સંખ્યામાં ફિલ્મફેર એવોર્ડનું ટાઇટલ જીતવાની બરાબરી કરી છે.તેઓ આશા ભોંસલે, મોહમ્મદ રફી, લતા મંગેશકર અને કિશોર કુમાર પછી બોલિવૂડના પાંચમા સૌથી સફળ ગાયિકા છે. તે લતા મંગેશકર અને આશા ભોંસલે પછી ત્રીજી ટોચની મહિલા પાર્શ્વ ગાયિકા છે.જેમણે તેમની બોલિવૂડ કારકિર્દીમાં સૌથી વધુ મહિલા સોલો ગીતો ગાયા છે.

અલકા યાજ્ઞિક તેમની માતાને તેમના પ્રથમ ગુરુ તરીકે શ્રેય આપે છે. જેમણે ચાર વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું. પોતાની માતા ઉપરાંત અલકા કલ્યાણજી-આનંદજી અને લક્ષ્મીકાંત-પ્યારેલાલ પાસેથી ગાયન શીખ્યા હતાં.તેમનો અવાજ રોમેન્ટિક ગીતો માટે સૌથી વધુ અનુકૂળ છે. અલકા યાજ્ઞિક પીઢ ગાયિકા લતા મંગેશકરને પોતાના પ્રેરણા સ્ત્રોત માને છે.તેમણે રોમેન્ટિક,સેડ,આનંદિત, મોહક અને આઇટમ નંબર ગીતો પણ ગાયા છે.તેમના મોટાભાગના યુગલ ગીતો કુમાર સાનુ સાથે હતા.ત્યારબાદ ઉદિત નારાયણ અને સોનુ નિગમ સાથે તેમની જાેડી જામી હતી.તેઓ કુમાર સાનુ અને ઉદિત નારાયણ સાથે ૯૦ના દાયકાના પાર્શ્વગાયનની ત્રિપૂટી તરીકે ઓળખાય છે.અલકા યાજ્ઞિકને “ક્વીન ઓફ પ્લેબેક સિંગિંગ“ તરીકે ઓળખવામાં આવે છે.અલકા યાગ્નિકે ૧૯૮૯માં શિલોંગ સ્થિત ઉદ્યોગપતિ નીરજ કપૂર સાથે લગ્ન કર્યા હતા. જેની સાથે તેમને એક પુત્રી છે જેનું નામ સૈશા છે.અલકા યાજ્ઞિકે તેમના ગીતો માટે શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગર માટે બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સહિત અનેક પુરસ્કારો જીત્યા છે. હમ હૈં રાહી પ્યાર કે ના ઘૂંઘટ કી આડ સે ગીત માટે, કુછ કુછ હોતા હૈ ના ટાઈટલ ગીત માટે, તેઝાબ ના “એક દો તીન” ,ખલનાયક ના “ચોલી કે પીછે ક્યા હૈ” ,પરદેસ ના “ઝરા તસ્વીર સે તુ” ,તાલ ના “તાલ સે તાલ” ,ધડકન ના “દિલ ને યે કહા હૈ દિલ સે” ,લગાન ના “ઓ રે ચોરી” અને હમ તુમ ના “હમ તુમ“ ગીતો માટે સાત ફિલ્મફેર એવોર્ડ મેળવ્યા છે. આ ઉપરાંત તેમણે બે બંગાળ ફિલ્મ જર્નાલિસ્ટ એસોસિએશન એવોર્ડ જીત્યા છે. સંગીતના ક્ષેત્રમાં તેમના યોગદાન માટે, અલકા યાગ્નિકને ૨૦૧૯માં લતા મંગેશકર પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

અલકા યાજ્ઞિકનો કણર્પ્રિય અવાજ સાંભળીને લાખો લોકો તેમના પ્રસંશક બન્યા છે. વર્સેટાઇલ ગાયિકા અલકા યાજ્ઞિક સાંભળવાની શક્તિ ગુમાવી બેઠા છે ત્યારે સૌ ચાહકો વતી ઈશ્વરને એ જ પ્રાર્થના કે તેઓ ખૂબ જ જલ્દી સ્વસ્થ થઈ જાય અને એમના ચાહકોને સુંદર નવા ગીતો સાંભળવા મળે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution