શાંઘાઈ-
અલિબાબા ફેઈમ ચીનના બિલિયોનેર ઉદ્યોગપતિ જેક મા મહિનાઓથી ગુમ થઈ ગયા બાદ બુધવારે સવારે એકાએક દેખાયા હતા. જો કે, આ પણ તેમની કોઈની સાથે રુબરુ મુલાકાત નહોતી પણ 100 જેટલા ટીચર્સના એક જૂથને તેઓ લાઈવ વિડિયો મિટિંગ થકી મળ્યા હતા. જેક માના આમ એકાએક દેખાવાથી હોંગકોંગમાં તેમની લિસ્ટેડ કંપનીના શેરોમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો.
જેક માના સતત વધતા જતા બિઝનેસ સામ્રાજ્ય પર હથોડો ઉગામવાના ચીની સરકારના પ્રયાસોને પગલે તેમને અહીંના એક ટીવી શો માં પણ હાજર નહોતા રહેવા દેવાયા એવી અટકળો વચ્ચે ગયા ઓક્ટોબર માસથી ગુમ જેક મા ક્યાં છે એ બાબતે ભારે અટકળો ચાલી રહી હતી, અને તેમને ચીન સરકારે જ ક્યાંક અટકમાં લઈ રાખ્યા છે, એવી અટકળોએ જોર પકડ્યું હતું. તેઓ છેલ્લે 24મી ઓક્ટોબરે જાહેરમાં જોવા મળ્યા હતા જ્યાં તેમણે શાંઘાઈની નિયમન સંસ્થાની આકરી ઝાટકણી કાઢી હતી, કેમ કે તેણે અલિબાબાની ભગીની સંસ્થા એન્ટ જૂથ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
ઝેજીઆંગ ઓનલાઈનના નેજા હેઠળના તિઆમુ ન્યુઝ દ્વારા બુધવારે જણાવાયું હતું કે, જેક મા વિડિયો કોન્ફરન્સ થકી 100 જેટલા ટીચર્સને મળ્યા હતા.