છેલ્લા ઘણાં સમયથી આલિયા યશરાજના સ્પાય યુનિવર્સની ફિલ્મ કરી રહી હોવાની ચર્ચાઓ ચાલતી હતી. ત્યારે શુક્રવારે આલિયા ભટ્ટે ફિલ્મના નામની ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરીને ફૅન્સને સરપ્રાઈઝ આપી હતી. યશરાજ ફિલ્મ્સ દ્વારા આદિત્ય ચોપરાના સ્પાય યુનિવર્સની જે ફિલ્મની સૌથી વધુ રાહ જાેવાતી હતી તેનું નામ હવે જાહેર થઈ ગયું છે. આલિયા અને શર્વરીએ ઇન્સ્ટાગ્રામ પર એક નાનું ટીઝર જાહેર કરીને ફિલ્મ ‘આલ્ફા’નાં નામની જાહેરાત કરી છે. ફિલ્મના ટીઝરમાં આલિયાનો વોઈસ ઓવર પણ સાંભળવા મળે છે. આ ટીઝરમાં આલિયાના અવાજમાં સંભળાય છે,“ગ્રીક અક્ષરોમાં સૌથી પહેલો અક્ષર, અને અમારા પ્રોગ્રામનો હેતુ. સૌથી પહેલાં, સૌથી તેજ, સૌથી વીર. ધ્યાનથી જુઓ તો દરેક શહેરમાં એક જંગલ છે. અને જંગલમાં હંમેશા રાજ કરશે....આલ્ફા.” ટીઝરમાં આલ્ફાની ડિઝાઈન બતાવવામાં આવી અને પછી જાહેરાત કરવામં આવી, “હાલ ફિલ્મ બની રહી છે”. આલિયા અને શર્વરીએ શેર કરેલી પોસ્ટમાં લખ્યું હતું, “હવે આ આલ્ફાનો સમય છે...ગર્લ્સ!” વર્ષ ૨૦૧૨માં યશરાજ ફિલ્મ્સ દ્વારા સલમાન ખાન અને કેટરિના કૈફની ‘એક થા ટાઇગર’ સાથે સ્પાય યુનિવર્સની શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર બાદ ૨૦૧૭માં તેની સીક્વલ ‘ટાઈગર અભી ઝિંદા હે’ આવેલી. ૨૦૧૮માં રિતિક રોશન અને ટાઈગર શ્રોફની ‘વૉર’ આવેલી. અંતે ૨૦૨૩માં ‘પઠાણ’ હતી, જેમાં શાહરૂખ અને દીપિકા એજન્ટની ભૂમિકામાં હતા, આ જ વર્ષે ‘ટાઈગર ૩’ પણ આવી હતી. હવે યશરાજના સ્પાય યુનિવર્સની બે ફિલ્મો આવી રહી છે, રિતિક રોશન અને જુનિયર એનટીઆરની ‘વૉર ૨’ અને શર્વરી તેમજ આલિયાની ‘આલ્ફા’. જેમાં પહેલી વાર યશરાજ ફિલ્મ્સ લેડી સ્પાયને લીડ રોલ આપશે.