સુરત-
સુરતના સારોલી રોડ પર આવેલી એસ.એમ.ટી.એમ માર્કેટના ચોથા માળે એક યુવક દુકાન બંધ કરવા બાબતે ઝગડો કરે છે. કંટ્રોલ રૂમમાંથી ફોન મળતા જ પીસીઆર 24માં કામ કરતા વુમન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.ડી. રોહિત, પોલીસ કોન્સ્ટેબલ રણછોડભાઈ વાલાભાઈ અને કાનાભાઈ વાજાભાઈ માત્ર 6 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. જ્યાં વોચમેને જણાવ્યું હતું કે કાપડ વેપારી પૈસા ન આપતા એક ઈસમ હાથમાં કાતર લઈ આપઘાતની કોશિશ કરી રહ્યો છે. જેથી મહિલા પીએસઆઈ અને તેની ટીમ તાત્કાલિક લિફ્ટ મારફતે ચોથા માળે પહોંચી ગઇ હતી. બાદમાં યુવકને યુક્તિપ્રયુક્તિથી સમજાવી ફોસલાવી તેને ચોથા માળને કોર્ડન કરી તેનો જીવ બચાવી લીધો હતો.
પોલીસે યુવકને બચાવી તેને શાંત કર્યો હતો અને તેની પૂછપરછ કરી હતી જેમાં તેણે પોતાનું નામ 46 વર્ષીય મહેન્દ્ર પાંડુરંગભાઈ ઉતિગર હોવાનું અને તે ભટર ખાતે આવેલી સાઈનગર સોસાયટીમાં રહેતો જણાવ્યું હતું. તેણે વધુમાં જણાવ્યું હતું કે એસ.એમ.ટી.એમ માં બેસ્ટ વન ક્રિએશનના માલિક રજનીભાઈ વસોયા પાસેથી તેને કાપડના બાકી નીકળતા નાણાં લેવાના હતાં. તે નાણાં વેપારી આપતો ન હતો. અવારનવાર ઉઘરાણી કરવા છતાં તે વાયદાઓ જ કરતો હતો. જેથી આખરે કંટાળી તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બાદ પોલીસ તેને પુણા પોલીસ મથકે લઈ ગઇ હતી અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.