કાશ! કોઈ એવું મળે જે મને સમજી શકે!

‘પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,

કંઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.’

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ની આ પંક્તિઓ દર્શાવે છે કે માણસને જાેઇએ છે કોઈ તેની તરસને સમજે, ભલે એ દરિયાના આભાસ જેવો હોય ને તરસથી રણ જેવો સુકાઈ ગયો હોય! જીવનમાં સૌથી મુશ્કેલ છે એક એવો જીવતો જાગતો જણ પામવો જે માણસને સમજે.

જીવનમાં સૌથી મુશ્કેલ શું છે? એવા એક ટચૂકડા સવાલના પુસ્તકોના પુસ્તકો લખાય એટલાં અને એવાં જવાબ હોઈ શકે એવો એક ખાનગી જવાબ છે. ‘આપણને સમજી શકે એવું એક પાત્ર પામવું.’ એટલે કે, સૌથી મુશ્કેલીથી મેળવી શકાતી બાબતોમાં, ‘આપણને સમજી શકે તેવા પાત્રને પામવાની વાત’ સૌથી મુશ્કેલ છે એવું આપણે સૌએ કયારેક ને કયારેક અનુભવ્યું હશે. ૯૯.૯૯ ટકા ખરાબ હોય એવો માણસ પણ એક વ્યક્તિની સામે સારો બની રહે તેવું તે ઈચ્છે છે. આ ઝંખના બતાવે છે કે દરેક માણસ ઓછામાં ઓછુ કોઈ એક એવી વ્યક્તિને ચાહે છે જે તેને સમજે, જાણે અને તેની મનોદશાને છેક સુધી સમજવાનો પુરેપુરો પ્રયાસ કરે! આપણે જે કંઈ કરીએ, બોલીએ, વિચારીએ એ બધું જ કોઈ સમજી શકે. આપણું પ્રત્યેક વર્તન સમજવા તે આપણા જ દૃષ્ટિકોણનો ઉપયોગ કરે તેવી દરેકની અંગત લાગણી હોય છે. આ લાગણીનું કોઈ ઓપ્શન નથી.

આપણી દરેક ક્રિયાનું અર્થઘટન તે એ જ અર્થમાં કરે, જે અર્થ આપણા મનમાં હોય, એવું આપણે ઈચ્છીએ છીએ. આવો તાલમેલ, આટલું તાદાત્મ્ય અને આટલી અન્ડરસ્ટેન્ડીંગ કોઈ પણ વ્યક્તિ સાથે જામે ત્યારે ગમે તેવા દુઃખમાં પણ આપણી સાથે એક સુખદ આશ્વાસન હોય છે કે ખેર, આપણને કોઈ સમજે તો છે !

આવી ઊંડી સમજ કેળવવા માટે પરસ્પર અતૂટ વિશ્વાસ જાેઈએ છે. જે વ્યક્તિ આપણા પર સંપૂર્ણ વિશ્વાસ મૂકે તે આપણા કોઈપણ કૃત્યને, આપણી તે વખતની મનોદશા અને પરિસ્થિતિને સામે રાખી સમજવા પ્રયત્ન કરે છે. બને કે તેને આપણું વર્તન ન સમજાય, તે વિશે મનમાં પ્રશ્ન જાગે, કુતૂહલ થાય તેવા સંજાેગોમાં તે આપણને સાંભળ્યા વગર, કાળજીપૂર્વક પૂછપરછ કર્યા વગર આડેધડ ર્નિણયો આપણા માથે નહીં મારે. જેમ તેમ બોલી આપણા મનને નહીં દુભાવે. તેવા સમયે તે આપણને પહેલા બોલવા દેશે. બધીય બાબતોનો વિચાર કર્યા પછી ‘બે શબ્દો’ કહેશે અને એ શબ્દો આપણે માટે હંમેશા સાગરમાં ભૂલી પડેલી, ભટકી ગયેલી નાવ માટે રાહ દેખાડતી દીવાદાંડી જેવા હશે. નહીં કે સરમુખત્યારના ચાબુક જેવા...

એવું એક પાત્ર પામવા મથવું, તેને પામવું અને તેને આજીવન નિભાવવાનો પુરૂષાર્થ તમામ ક્ષમતા સાથે હ્રદયપૂર્વક કરવા જેવો છે. આવી ખરી કમાણી જેવું પાત્ર પામવાની ઝંખના સેવવા જેવી છે. જેને આટલું સમજનાર એક પાત્ર પણ ન મળ્યું, એણે બધું મેળવ્યું તોય જીવન ફોગટ ગયું જાણજાે. હીરા હોય, ઝવેરાત હોય, બંગલો હોય, ગાડી હોય, સમાજમાં પ્રતિષ્ઠા હોય, યશ-કીર્તિ હોય, તગડુ બેંક બેલૅન્સ હોય, બધું જ હોવા છતાં પણ હૃદયને સમજે તેવું હૃદય ન મળે તો બધુ વ્યર્થ.

ઉપર લખી તે બધી જ વસ્તુઓ કમાવવા માટે ઔપચારિક શિક્ષણ છે. પરંતુ, આપણને સમજે તેવું પાત્ર પામવા માટે કોઈ શિક્ષણ નથી. કોઈ પ્રાઈવેટ ટયુશન કલાસ નથી, એ સારું છે કે, નથી સારું એનો જવાબ ઝટ મળતો નથી.માણસ જિંદગીભરની આ અધૂરપ લઈને જીવે છે. આ અધૂરપ સાથે જીવવું અઘરૂં પડે છે. આ અધૂરપ એક એવો ખાલીપો જન્માવે છે જેને માણસ જાતજાતના નશા અને મનોરંજન દ્વારા ભરવાનો પ્રયત્ન કરે છે પરંતુ એ પ્રયત્ન સદા નિષ્ફળ જ રહે છે.

ઈશ્વરે જ કંઈક એવું આયોજન ક્યું છે, જેમાં વિકલ્પોથી ચાલતું નથી. ‘કોઈક જીવતો-જાગતો માણસ આપણી જાતને સમજે.’ આ ઝંખનાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા હજુ સુધી શોધી શકાઈ નથી અને કોઈ તે શોધી પણ ન શકે! આ ઈચ્છા આદિ મનુષ્યમાં પણ હતી ને સુપરમેનમાં પણ છે. આવી ઈચ્છા વગરનો કોઈ જણ જન્મ્યાનું ક્યાંય વાંચ્યું, સાંભળ્યું કે જાણ્યું નથી! શું આપણે પોતે એવું હૃદયપૂર્વક કહી શકીએ એમ છીએ કે કમસેકમ એક વ્યક્તિ તો આ સંસારમાં એવી છે જેને હું સમજું છું અને જ્યારે હું તેને ન સમજી શકું ત્યારે તેના દૃષ્ટિકોણને સમજવાનો પૂરેપૂરો અને પ્રામાણિક પ્રયત્ન કરું છું? રાત્રે સૂતાં પહેલાં જાતને પૂછવા જેવું ખરું !

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution