નવી દિલ્હી:કેન્સરના નિદાન અને સારવાર માટે એક એનજીઓ દ્વારા ચલાવાતી હેલ્પલાઇન પર જે કેન્સર પેશન્ટ્સના સેકન્ડ ઓપિનિયન મેળવવા માટે કૉલ આવ્યા હતા તેમાંથી ૨૦ ટકા પેશન્ટ્સ ૪૦ વર્ષથી ઓછી વયના હતા, જે દેશમાં યુવા વર્ગમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું હોવાનું દર્શાવે છે.
ઓન્કોલોજિસ્ટ્સના એક ગ્રૂપ દ્વારા શરૂ કરાયેલા કેન્સર મુક્ત ભારત ફાઉન્ડેશનના જણાવ્યા મુજબ ગત પહેલી માર્ચથી ૧૫ મે દરમિયાન હેલ્પલાઇન ઉપર ૧,૩૬૮ કૉલ આવ્યા હતા. સ્ટડી દર્શાવે છે કે ૪૦ વર્ષથી ઓછી વયના કેન્સર પેશન્ટ્સ પૈકી ૬૦ ટકા પેશન્ટ પુરુષો હતા. એમ પણ જાણવા મળ્યું કે સૌથી વધુ કેસ હેડ એન્ડ નેક કેન્સરના (૨૬ ટકા) હતા જ્યારે ત્યાર બાદ બીજા ક્રમે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ કેન્સરના (૧૬ ટકા) કેસ હતા. બ્રેસ્ટ કેન્સર અને બ્લડ કેન્સરના કેસ અનુક્રમે ૧૫ ટકા અને ૯ ટકા હતા. સૌથી વધુ કૉલ હૈદરાબાદથી આવ્યા હતા જ્યારે મેરઠ, મુંબઇ અને નવી દિલ્હી તે પછીના ક્રમે હતા. પેશન્ટ્સ માટે વિના મૂલ્યે સેકન્ડ ઓપિનિયન મેળવવા હેલ્પલાઇન નંબર લૉન્ચ કરાયો હતો, જે સોમવારથી શનિવાર દરમિયાન સવારે ૧૦ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ હોય છે.
સ્ટડી દ્વારા એમ માલૂમ પડયું કે ભારતમાં પ્રોપર સ્ક્રીનિંગના અભાવે કેન્સરના લગભગ બે-તૃતીયાંશ કેસો બહુ મોડા ડિટેક્ટ થાય છે. દેશમાં કેન્સરના ૨૭ ટકા કેસોનું સ્ટેજ-૧ કે સ્ટેજ-૨માં જ્યારે ૬૩ ટકા કેસોનું સ્ટેજ-૩ કે સ્ટેજ-૪માં નિદાન થાય છે. કેન્સર પેશન્ટ્સનો સૌથી કોમન સવાલ સેકન્ડ ઓપિનિયન માટે કે પછી તેમની યોગ્ય સારવાર થઇ રહી છે કે કેમ તે જાણવા માટે હોય છે.