પટના-
બિહારમાં અસદૂદ્દીન ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમના ૫ ધારાસભ્યોએ મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતને શિષ્ટાચાર ભેટ ગણાવાઈ રહી છે, પરંતુ એઆઇએમઆઇએમના ધારાસભ્યો જેડીયૂમાં સામેલ થઈ રહ્યા હોવાની અટકળોએ વેગ પકડ્યો છે.
આ મુલાકાતની આગેવાની એઆઇએમઆઇએમના બિહાર પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય અખ્તરુલ ઈમાને કરી હતી. તેમની સાથે પાર્ટીના અન્ય ૪ ધારાસભ્યો મોહમ્મદ ઈઝહાર અસફી, શાહનવાઝ આલમ, સૈયદ રુકનુદ્દીન અને અઝહર નઈમી પણ હતા. આ તમામ ધારાસભ્યો મુખ્યમંત્રી આવાસ પર તેમને મળવા માટે પહોંચ્યા હતા. ધારાસભ્યોની સાથે જેડીયૂ નેતા અને મંત્રી વિજય ચૌધરી પણ ઉપસ્થિત રહ્યાં હતા.
મુખ્યમંત્રી સાથે મુલાકાત દરમિયાન ક્યા મુદ્દાઓ પર ચર્ચા થઈ? તે વાતનો હજુ કોઈ ખુલાસો નથી થયો. જાે કે પાર્ટીના નેતા મોહમ્મદ આદિલ હસન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, ધારાસભ્યઓએ સીમાંચલના વિકાસ માટે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી. તાજેતરની બિહાર વિધાનસભા ચૂંટણીમાં આજ વિસ્તારમાંથી એઆઇએમઆઇએમના તમામ ધારાસભ્યો જીતીને વિધાનસભા પહોંચ્યા છે.
આદિલ હસનનું કહેવું છે કે, અમારો વિરોધ નીતિશ કુમાર સાથે નહીં, પરંતુ ભાજપ સાથે છે. જાે નીતિશ કુમાર ભાજપનો સાથ છોડવા તૈયાર હોત, તો ઓવૈસી નીતિશ કુમાર સાથે હાથ મિલાવવા માંગતા હતા. અમારા ધારાસભ્યો આગળ પણ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરતા રહીશું.