અમદાવાદ-
અમદાવાદમાં મારામારીના કિસ્સામા વધુ એક ઘટનાનો ઉમેરો થયો છે. દાણીલીમડા વિસ્તારમાં આવેલા બોમ્બે હોટેલ નજીક ફેસલનગરમાં નજીવી બાબતમાં સામ સામે મારામારીની ઘટના બની હતી. ઘરની બહાર મિત્રોને બેસાડીને ઘોઘાંટ કરવા જેવી સામાન્ય બાબતમાં થયેલી માથકૂટમાં એક તરફથી રોહાન તેમજ ઇદરીશ અને બીજી તરફથી મોહમદ સાહિલ માસ્ટર તેમજ વાજીદઅલી ની વચ્ચે છૂટાહાથની મારામારી થઇ હતી. જેમાં ચારેય ઈસમોએ પાછળથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા લોખંડની પાઇપો સાથે એકબીજા ઉપર હુમલો કરાતા તેમાં બે ઈસમોને ગંભીર ઇજા પહોંચી હતી. એટલુંજ નહિ, ફરિયાદી મોહમ્મ્દ સાહિલ અંસારીની એક્ટિવામાં સામા પક્ષના ઈસમોએ તોડફોડ પણ કરી હતી. જાહેર રોડ ઉપર થયેલી મારામારીના લીધે સમગ્ર વિસ્તારમાં ભારે અફરા તફરી મચી ગઈ હતી. લોકોએ બંને પક્ષને છોડાવીને બે ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ મામલે મોહમ્મ્દ સાહિલ અંસારી અને અસ્લમ અંસારીએ એક બીજાની સામ સામે મારામારીની ફરિયાદ નોંધાવતા દાણીલીમડા પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.