વડોદરા-
કોરોનાકાળમાં બંધ કરવામાં આવેલી ટ્રેનો ધીમે ધીમે શરૂ થઈ રહી છે. આ દરમિયાન અમદાવાદ-વડોદરા મેમુ ટ્રેન ફરી શરૂ થઈ રહી છે. મંગળવાર, ૨ માર્ચથી અમદાવાદ-વડોદરા વચ્ચે મેમુ ટ્રેન શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ ટ્રેન સંપૂર્ણ રીતે રિઝર્વેશન ધરાવે છે. આ માટે રેલવે દ્વારા ઓનલાઈન બુકિંગના નામે ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. અગાઉ જે ભાડું ૨૫ રૂપિયા હતું તેની સામે રિઝર્વેશનના ૧૫ રૂપિયા ચુકવવા પડશે. આ કારણે રોજ ટ્રેનમાં અપ-ડાઉન કરતાં મુસાફરોના ખિસ્સા પર વધારાનો ભાર આવશે. જેને લઇ મેમુ ટ્રેનમાં રોજ મુસાફરી કરતાં લોકોમાં રોષ છે.
રેલવે દ્વારા તમામ ટ્રેનો રિઝર્વેશન ધરાવતી શરૂ કરવામાં આવનારી હોવાથી મુસાફરો તેમજ દરરોજ અપ-ડાઉન કરનારા લોકોને પણ દરરોજ રિઝર્વેશન કરાવવું પડશે. જેથી મુસાફરોને મુશ્કેલી ઉભી થઇ શકે છે. જેને લઇને મુસાફરોમાં વિરોધ જાેવા મળી રહ્યો છે. પેસેન્જર્સની માંગણીને ધ્યાનમાં રાખી વડોદરા ઉપરાંત મહેસાણા, આબુરોડ, હિંમતનગર જેવા સ્થળો માટે પણ ટ્રેનસેવા ફરી શરૂ કરવામાં આવશે.