અમદાવાદ-
ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી માનવીના સાંસ્કૃતિક અને સામાજિક વિકાસમાં મહિલાઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. સશક્ત નારી તંદુરસ્ત સમાજનું પ્રતિબિંબ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સહી પોષણ-દેશ રોશન’’ના સંકલ્પને ચરિર્તાથ કરવા સુપોષણ અભિયાનની સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોકજાગૃતિના ભાગરૂપે આંગણવાડીની બહેનો દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. જે ઉત્તમ કામગીરી કરે છે તેનું સન્માન કરવું તે આપણી ભારતીય પરંપરા છે.
રાજય સરકાર દ્વારા ખુબ જ સારી કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને તેડાગરને માતા યશોદા એવોર્ડ આપવામાં આવે છે. ICDSમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર એ કચેરી વચ્ચેની અગત્યની કડી છે. તેઓને પ્રોત્સાહિત કરવા માટે અને ICDS ની સેવાઓની પહોંચને મજબુત કરવા અમદાવાદ સ્થિત ટાગોર હોલ ખાતે 2 ઓક્ટોબરના રોજ યોજાનાર સમારોહમાં વર્ષ 2018-19 માં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનને માતા યશોદા એવોર્ડથી સન્માનીત કરવાનો કાર્યક્રમ યોજાશે.અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય કક્ષાએ ઉત્તમ કામગીરી કરનાર સાણંદ તાલુકાની આ વર્ષે પસંદગી કરવામાં આવી છે. જેનાં ઘટક -1 ની આંગણવાડી સંભાળનાર અલ્કાબહેન પટેલને શ્રેષ્ઠ કાર્યકર તરીકે રૂપિયા 31,000/- અને તેડાગર તરીકે હંસાબહેન રહેવરને રૂપિયા 21,000/-નો રોક્ડ પુરસ્કાર સાથે માતા યશોદા એવોર્ડ આપવામાં આવશે.