અસલામત અમદાવાદઃ જાહેરમાં ત્રણ લોકોએ યુવતીની છેડતી કરી

અમદાવાદ-

શહેર પોલીસ કમિશનરે ચાર્જ સભાળ્યો ત્યારે તેમને કહ્યું હતું કે, મહિલાઓની સુરક્ષા નું ધ્યાન રખાશે. પરંતુ રવિવારે બનેલી ઘટના પરથી એવું કહી શકાય કે શહેરમાં મહિલાઓ સુરક્ષિત નથી. પોલીસ ચોપડે નોંધાયેલા ગુનામાં નોકરીએ જતી યુવતીને ત્રણ લોકોએ 'ઓયે જાનુ જાનેમન કયાં જાય' એમ કહીને જાહેર રોડ પર છેડતી કરી હતી. આગળ પોલીસ હોવાથી તેઓ ડરીને ભાગી ગયા હતા, બાદમાં યુવતીની નોકરીની જગ્યાએ ત્રણવાર જઈને બબાલ પણ કરી હતી. યુવતીને બચાવવા પડેલા યુવકને છરી મારી તેને પણ આંગળીઓ પર ઈજાઓ પહોંચાડતા પોલીસે કાર્યવાહી કરતા એક આરોપીની ધરપકડ કરી છે.

ગોમતીપુરમાં રહેતી ૨૮ વર્ષીય યુવતી રખીયાલમાં એક કારખાનામાં નોકરી કરે છે. રવિવારે સવારે તેણી તેના વાહન પર નોકરી પર જતી હતી ત્યારે ત્રણ શખ્સો બાજુમાંથી પસાર થયા હતા. આ વખતે આ યુવાનોએ "ઓયે જાનુ જાનેમન ક્્યાં જાય તેમ કહી બીભત્સ કૉમેન્ટ કરીને છેડતી કરી હતી. બાદમાં યુવતીએ હિંમત કરી આગળ આવો તમને બતાવું તેમ કહ્યું અને જેવા યુવકો આગળ આવ્યા ત્યાં જ પોલીસ ઊભી હતી. જેથી આ છેડતીબાજાે ત્યાંથી નાસી ગયા હતા. બાદમાં યુવતી તેની નોકરીએ ગઈ હતી. બાદમાં યુવકો ત્યાં પહોંચ્યા હતા અને "તું કયાં કર લેગી" કહી તેણી સાથે બબાલ કરીને ધમકી આપી હતી.

ત્યારે તેની સાથે કામ કરતી મહિલાનો પતિ વચ્ચે પડતા તેને માર મારી આ શખ્સો ભાગી ગયા હતા. ત્રીજીવાર આ છેડતીબાજાે આવ્યા અને યુવતીને બચાવનાર યુવકને છરી મારવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેને આંગળી પર ઈજા પહોંચી હતી. બાદમાં આ અંગે જાણ થતા ગોમતીપુર પોલીસે બાપુનગરના પ્રકાશ લીંબોડાની ધરપકડ કરી બે લોકોની શોધખોળ હાથ ધરી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution