અમદાવાદ-
અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ નકલી ઘી બનાવવાની ફેક્ટરી ની માહિતી મળતા પોલીસના કાફલા સાથે રેડ કરી આરોપી સાથે નકલી ઘીનો જંગી જથ્થો જપ્ત કર્યો છે. એસ.ઓ.જી ગ્રામ્ય પોલીસ દ્વારા રેડ દરમિયાન શૈલેષ સોલંકી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપીની પૂછપરછ દરમિયાન તે ચાંગોદર ખાતેના ફેક્ટરી પર અમુલ અને સાગર ઘી ના 500 ગ્રામના લુઝ પેકિંગ બનાવતો હોવાનું બહાર આવ્યું છે. નકલી ઘી બનાવતી ફેકટરી ની તપાસ દરમિયાન ઘી બનાવવાનું મશીન તથા વનસ્પતિ ઘીના ડબ્બા અને સામગ્રી જપ્ત કરવામાં આવી છે. અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી દ્વારા 1 લાખ 50 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે ચાંગોદર ના શ્યામ એસ્ટેટ માં નકલી ઘી બનાવવાનું કારખાનું ચાલે છે. જેના આધારે હાલો વિભાગના અધિકારીઓની સાથે ચાંગોદર શ્યામ એસ્ટેટ ખાતે રેડ કરી હતી. પોલીસ ની પાસે બાતમી હતી કે ફેક્ટરીમાં અમુલ અને સાગર ઘીના પેકિંગ ની અંદર નકલી ઘી ભરીને બજારમાં વેચાણ કરવામાં આવે છે. જેથી જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા થતાં હોવાના કારણે ગ્રામ્ય એસઓજીએ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે રેડ કરી તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત આરોપી શૈલેષ સોલંકી સાથે અન્ય કોણ-કોણ સામેલ છે તે જાણવા માટે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.