અમદાવાદ-
અમદાવાદમાં ભાજપના ઉમેદવારોના લિસ્ટમાં અનેક વોર્ડમાં અસંતોષની લાગણી ફેલાઈ છે. અમુક વોર્ડમાં ભાજપે આખે આખી પેનલ બદલી નાખી છે.ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 6 મહાનગરપાલિકા માટે 575 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાટીલના નવા 3 માપદંડો બાદ નવું લિસ્ટ જાહેર થતાં જ ભાજપમાં ભડકો થયો છે અમદાવાદ ભાજપના લિસ્ટમાં 142માંથી 106ની ટિકિટ કપાઇ છે તો માત્ર 36ને જ રિપીટ કરાયા છે. ગત રાત્રિએ ઉમેદવારોના લિસ્ટ બાદ જ અસંતોષની જ્વાળા પક્ષમાં દોડી ગઈ હતી. અને વાસણા, નારણપુરા, ગોતા, ચાંદખેડા, સરદારનગર સહિતના વોર્ડમાં કાર્યકરોએ ભારે વિરોધ કર્યો છે. જેને ડામવા માટે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને ખુદ મેદાનમાં ઉતરવું પડ્યું છે. અને પ્રદિપસિંહે ખાનપુર ખાતેના ભાજપ કાર્યાલયે પહોંચીને મહત્વની બેઠક યોજી છે.
અમદાવાદના મોટાભાગના વોર્ડમાં ભાજપનાં કાર્યકરો ટિકિટ વહેંચણીથી નાખૂશ છે. અને હાલ કાર્યકર્તાઓની અંદર લિસ્ટને લઈને ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. કાર્યકરો રાજીનામાં આપી દેવાના મૂડમાં છે, તો ચૂંટણીમાં નિષ્ક્રિય રહેવા સુધીની ચીમકી તેઓ પોતાના નેતાઓને ઉચ્ચારી ચૂક્યા છે. તેવામાં અપક્ષ ઉમેદવાર તરીકે લડવા પણ કેટલાંય નેતાઓ તૈયાર છે.આ અસંતોષને ઠારવા માટે ભાજપ પક્ષે ડેમેજ કંટ્રોલ માટે પ્રદિપસિંહને મેદાનમાં ઉતાર્યા છે. અને પ્રદિપસિંહે ખાનપુર ખાતેના કાર્યાલય પહોંચીને એક મહત્વની મીટિંગ પણ યોજી હતી. અને આ મીટિંગમાં અસંતોષને કેવી રીતે ડામવો તેના વિશે ચર્ચા થઈ શકે છે. તેવામાં હવે જોવાનું રહ્યું કે કાર્યકરોનો અસંતોષ ઠારવામાં ભાજપ સફળ રહે છે કે આગામી ચૂંટણીમાં આ અસંતોષ ભાજપ માટે કોઈ મુસીબત ઉભી કરી શકે છે.