અમદાવાદ: સિવિલ હાઉસફૂલ થવાની તૈયારીમાં, 1200 થી વધારે દર્દી લઇ રહ્યા છે સારવાર

અમદાવાદ-

શહેરમાં કોરોના ખતરનાક હદે વકર્યો છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલ હવે હાઉસફુલ થવાની તૈયારીમાં છે, સિવિલ કેમ્પસની વિવિધ હોસ્પિટલોમાં ગુરુવારની સ્થિતિએ ૧,૨૦૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, ઓક્સિજન અને વેન્ટીલેટર બેડ વાળા દર્દીઓની સંખ્યા તેમાં વધારે છે. બીજી તરફ શહેરની સારી ગણાતી ખાનગી હોસ્પિટલોમાં તો બેડ પણ ખાલી નથી. અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોની સંખ્યા હવે વધીને ૯૨ થઈ ગઈ છે,

જેમાં કુલ બેડની કેપિસીટી ૩,૦૪૩ કરી દેવાઈ છે પરંતુ આઈસીયુ વિથ વેન્ટીલેટર વાળા બેડ ફક્ત ૧૫ જ ખાલી પડયા છે. કોરોનાની સારવાર માટે બેડ ઉપલબ્ધ હોવાના સરકાર ભલે દાવા કરતી હોય પરંતુ ખાનગી હોસ્પિટલોમાં ગંભીર પ્રકારના દર્દીઓ માટે કોવિડ હોસ્પિટલોમાં બેડ ખાલી નથી. અત્યારે આઈસીયુ વિથ વેન્ટીલેટર બેડ પર શહેરમાં ૨૦૮ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તો વેન્ટીલેટર વગરના આઈસીયુમાં માત્ર ૨૪ બેડ ખાલી છે તો ૪૩૧ દર્દીઓ આઈસીયુમાં સારવાર લઈ રહ્યા છે.

આઈસોલેશન બેડમાં પર પણ ખાસ જગ્યા ખાલી નથી, ૧૦૬૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, માત્ર ૧૧૮ બેડ હોસ્પિટલોમાં ખાલી છે. એચડીયુમાં ૧૦૮૮ દર્દીઓ સારવાર હેઠળ છે, માત્ર ૯૭ બેડ ખાલી છે. ખાનગી હોસ્પિટલોમાં કુલ ૨૫૪ બેડ ખાલી છે. શહેરમાં કોવિડ કેર સેન્ટરોની સંખ્યા પણ વધારીને ૩૨૮ બેડની કેપેસિટીની કરાઈ છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution