અમદાવાદ-
અમદાવાદની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ (IIM)માં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 25 વર્ષની એક યુવતીએ ગઈકાલે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. સેટેલાઈટ પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાને કારણે કેમ્પસના અન્ય વિદ્યાર્થીઓ અને પ્રોફેસર આઘાતમાં સરી પડ્યા છે.
મળતી માહિતી મુજબ IIMમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતી બિહારની દ્રષ્ટિ રાજ કાન્હાનીએ બુધવારે સાંજે 4 વાગ્યાની આસપાસ IIMની જ હોસ્ટેલમાં પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગે સિક્યોરિટી ગાર્ડે સેટેલાઇટ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલમાં મોકલી આપી હતી. ઘટના સ્થળપરથી પોલીસને કોઈ સ્યુસાઈડ નોટ મળી ન હોવાથી આપઘાતનું કારણ અકબંધ છે. પોલીસે યુવતીની હોસ્ટેલમાં રહેતા અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરી છે. પોલીસે યુવતીનો મોબાઇલ કબ્જે કર્યો હતો. પરંતુ મોબાઇલ ચાલુ કરવા પાસવર્ડ જાણવા સાયબર ક્રાઇમની મદદ લીધી છે. મોબાઇલ ખુલ્યા બાદ અને કોલ ડિટેલ્સ મળે તેના આધારે કારણ મળવાની શક્યતા છે.સેટેલાઈટ પોલીસના જણાવ્યા મુજબ પોલીસે યુવતીના રૃમમાં તપાસ કરી હતી પરતું કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. જેને કારણે યુવતીએ શા માટે આપઘાત કર્યો તે અંગે તાત્કાલિક જાણી શકાયું ન હતું.