અમદાવાદ-
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, ગુજરાતમાંથી તડીપાર કરાયેલ આરોપી મોહમ્મદ યુસુફ રાજપૂત નામનો ઇસમ, સુખરામ નગર પાસે ઉભેલો જોવા મળ્યો હતો. તડીપાર આરોપી અમદાવાદની હદમાં દેખાતા ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તરત હરકતમાં આવી ગયા હતા અને આરોપી જ્યાં ઉભો હતો તે જગ્યાએ સુખરામનગર પાસે જઈને તેને પકડી લીધો હતો. કહેવામાં આવે છે કે, મોહમ્મદ યુસુફ ઘણા સમય પહેલા વાહન ચોરીના ગુનાસર પકડાઈ ચુક્યો છે માટે તેને તડીપાર કરવામાં આવ્યો હતો.
તડીપાર થયા પછી તે ઉત્તર પ્રદેશ ચાલી ગયો હતો પરંતુ ગુનાહિત માનસિકતા ધરાવતા યુસુફને યુપીમાં કોઈ કામકાજ મળ્યું નહોતું તેથી તે ફરી ગુનાખોરીના ધંધામાં પાછો આવી ગયો હતો અને પાછો અમદાવાદ આવીને દારૂનો ધંધો શરુ કરી દીધો હતો. તેને પોતાની પાસે એક દેશી તમંચો પણ રાખેલ હતો, પોલીસ પૂછપરછમાં તેને જણાવ્યું કે, દારૂના ધંધામાં જો કોઈ પીછો કરે તો તેની ઉપર ફાયરીંગ કરવા તેણે પોતાની પાસે દેશી તમંચો રાખ્યો હતો. પોલીસ હવે તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી દીધી છે.