અમદાવાદ: ગરોળીની જેમ દીવાલ પર ચઢીને ચોરીને અંજામ આપતા હતા, 'ચીપકલી' ગેંગની ધરપકડ

અમદાવાદ-

કાલુપુર પોલીસે એવી ગેંગ પકડી પાડી છે જેનું નામ 'ચીપકલી ગેંગ' છે. આ નામ કેમ પડ્યું તે જાણવું પણ ખૂબ જ રસપ્રદ છે. આ ગેંગના સભ્યો જેમ ગરોળી દીવાલ પર ચઢી જાય તેમ ચઢી જતા હતા અને ઘરમાં ચોરી કરવા માટે ઘૂસી જતા હતા. પોલીસે આંતરરાજ્ય ગેંગના ત્રણ લોકોને પકડી કાલુપુરમાં એક સાથે થયેલી પાંચ દુકાનની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. ઉલ્લેખનીય છે કે જે તે ગેંગની કોઈને કોઈ વિશેષતા હોય છે. જેના પરથી આ ગેંગનું નામ રાખવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ કે ફ્રેક્ટર ગેંગ. આ ગેંગના સભ્યો ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ઘરના માલિક કે તેમને ચોરી કરતા જોઈ લેતા લોકોને મારી મારીને ફ્રેક્ચર કરતા હોય છે. કાલુપુર પોલીસે બાતમી આધારે ત્રણ લોકોની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. આરોપી નૂર મહોમદ શેખ, સલમાન ખાન શેખ અને મુશરફ ઉર્ફે હાડો શેખ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના રહેવાસી છે. આરોપીઓએ તાજેતરમાં જ કાલુપુર વિસ્તારમાં પાંચેક દુકાનોમાં પાંચેક લાખની ચોરી કરી હતી. આ ચોરીનો મુદ્દામાલ લઈને ભાગે તે પહેલા જ આરોપીઓની કાલુપુર પોલીસે ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution