મુંબઇ
બાળકના જન્મ વખતે પેટરનિટી લીવ લેવાનો ટ્રેન્ડ ઝડપથી પોપ્યુલર થઈ રહ્યો છે. ટૂંક સમયમાં જ પિતા બનવા જઈ રહેલા સેલિબ્રિટી વિરાટ કોહલી અને સૈફ અલી ખાનને જ જોઈ લો. ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે રહેવા માટે ઓસ્ટ્રેલિયા સામેની મહત્વની સીરીઝ છોડીને ભારત આવી ગયો છે. એક્ટ્રેસ અનુષ્કા શર્માની પ્રેગ્નેન્સીનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે ત્યારે બાળકના જન્મ સમયે તેની સાથે રહેવા વિરાટે પેટરનિટી લીવ લીધી છે. પહેલા બાળકના જન્મની ક્ષણ વિરાટ ચૂકવા નથી માગતો. આ જ રીતે સૈફ અલી ખાન પણ પોતાના બીજા સંતાનના જન્મ સમયે પત્ની કરીના સાથે રહેવા માગે છે.
એક્ટર સૈફ અલી ખાને પોતાની આગામી ફિલ્મોનું શૂટિંગ શિડ્યુલ એ પ્રમાણે ગોઠવ્યું છે કે, બીજા બાળકના જન્મ સમયે તે પત્ની કરીના કપૂર સાથે ભરપૂર સમય વિતાવી શકે. 'તાનાજી: ધ અનસંગ વોરિયર'ના ડાયરેક્ટર ઓમ રાઉતની આગામી ફિલ્મ 'આદિપુરુષ'નું શૂટિંગ આ મહિનાથી શરૂ થવાનું છે. સૈફ અલી ખાન આ ફિલ્મમાં રાવણના પાત્રમાં જોવા મળશે. ત્યારે સૈફ 'આદિપુરુષ'નું શૂટિંગ માર્ચ 2021ના છેલ્લા અઠવાડિયાથી શરૂ કરવાનો છે.
આ વાતની પુષ્ટિ કરતાં ફિલ્મમેકર ઓમ રાઉતે અમારા સહયોગી બોમ્બે ટાઈમ્સને જણાવ્યું, "છેલ્લા ત્રણ-ચાર મહિનાથી સૈફ સર અને પ્રભાસ આ ફિલ્મ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. હાલની ક્ષણે મારી ટીમ શૂટિંગ શરૂ કરવા માટે ઉત્સુક છે. તેઓ ફાઈનલ શિડ્યુલની તૈયારી કરી રહ્યા છે. મને ખબર છે ત્યાં સુધી સૈફ સર પેટરનિટી લીવ પર છે અને માર્ચ મહિનાની આસપાસ અમારી સાથે શૂટિંગમાં જોડાશે. ફિલ્મની વાર્તા વિસ્તૃત અને ઊંડી છે. અમે ઓગસ્ટ સુધી શૂટિંગ કરવાનો પ્લાન તૈયાર કર્યો છે."