આણંદ-
વડોદરામાં સામૂહિક આત્મહત્યાનો બનાવ બન્યો હતો. હજુ તાજી ઘટના છે ત્યાં આણંદમાં જીવનદીપ સોસાયટીમાં રહેતા એક પરિવારના 3 લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. મળતી માહિતી મુજબ માતા, પુત્ર અને પુત્રી સહિત ત્રણ લોકોએ આપઘાતનો પ્રયત્ન કર્યો હતો, જેમાં માતા અને પુત્રનાં મોત નીપજ્યાં છે. પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવી છે. આ ઘટના અંગે આણંદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વિદ્યાનગરમાં મિત ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવે છે, કોરોનાને કારણે ધંધો પડી ભાગતા પરિવારે આર્થિક તંગીને લઇને ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં 15 વર્ષીય પુત્રીને સમયસર સારવાર મળતાં તેને બચાવી લેવાઇ છે, જ્યારે 38 વર્ષીય ટીનાબેન પ્રકાશભાઈ શાહ અને 12 વર્ષીય પુત્રનું મોત થયું છે. નોંધનીય છે કે વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં રહેતા સોની પરિવારે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં પરિવારના 3 સભ્યોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે 3ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આપઘાત કરવા પાછળ આર્થિક તંગી હોવાનું જાણવા મળ્યું હતું. મોટો દીકરો અને તેની પત્ની અને માતા સહિતનાં 3 પરિવારજનો હાલ સારવાર હેઠળ છે.