આણંદ : વેક્સિનેશનની પૂર્વતૈયારી આણંદમાં વેક્સિનેશન માટેની ડ્રાય રન કરાઈ હતી. કેન્દ્રીય વેક્સિનેશનનો રોડમેપ તૈયાર થઈ ચૂક્યો છે ત્યારે દેશના વિવિધ સ્થળોની ચકાસણી કરવામાં આવી હતી. વેક્સિન સમયસર સ્થળ ઉપર પહોંચે છે કે નહીં?થી લઈને નાગરિકોનું રજિસ્ટ્રેશન, રસીકરણ કરવામાં આવે તે બાદ તેની અસર કે આડઅસર અંગેની તૈયારીના ભાગરૂપે ડોક્ટર્સની ટીમ તેમજ દર્દીને સારવાર કરવા સુધીની તમામ પ્રક્રિયા અંગેની ચોક્કસ ચકાસણી કરવા આણંદના આરોગ્ય વિભાગે આજે ડ્રાય રનનું આયોજન કર્યું હતું.
સૂત્રોના જણાવ્યાં મુજબ, આરોગ્ય વિભાગ દ્વારા આજે આણંદ શહેરમાં કોરોના વેક્સિનેશનની પૂર્વતૈયારીના ભાગરૂપે ડ્રાય રન યોજવામાં આવી હતી. આ ડ્રાય રન દરમિયાન ત્રણ જગ્યાએ આણંદની જનરલ હોસ્પિટલ, શાળા નં. ૧૩ અને બાકરોલના અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના વેક્સિનેસન કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યા હતા. વેક્સિનેશનના ઇન્ચાર્જ મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. શાલીની ભાટીયાએ કેન્દ્રોની મુલાકાત લઈ તમામ તૈયારીઓની ચકાસણી કરી હતી.
ત્રણેય વેક્સિન કેન્દ્રો ખાતે સવારે ૧૦ઃ૩૦ કલાકે ડ્રાય રન શરૂ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર આર.જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી, અમિત પ્રકાશ અને મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.શાલીની ભાટીયા સહિત અધિકારીઓએ ત્રણેય કોરોના વેક્સિન કેન્દ્રોની મુલાકાત લઈ કોરોના વેક્સિન માટેની તમામ પૂર્વતૈયારીઓની ચકાસણી કરી હતી.
આણંદ તાલુકા આરોગ્ય અધિકારીના ઓબઝર્વેશન હેઠળ મોકડ્રીલનું આયોજન કરાયું હતું. એક સેન્ટર પર ૧ મેડિકલ ઓફિસર, ૧ ટીએચઓ, ૫ વોલિન્ટિયર્સને જવાબદારી સોંપાઈ છે. વેક્સિનેશન માટે વેક્સિન લેવાં આવનારનું પહેલાં રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. ઓળખનું વેરિફિકેશન કરાશે. વેક્સિન આપ્યાં બાદ ૩૦ મિનિટ ઓબઝર્વેશનમાં પણ રહેવું પડશે. તેમજ વેક્સિન માટેનો બીજાે ડોઝ ૨૮થી ૩૦ દિવસ પછી અપાશે.
કલેક્ટર આર.જી. ગોહિલે જણાવ્યું હતું કે, શહેરના ત્રણ વેક્સિન કેન્દ્રો ખાતે આજે વેક્સિનના ડ્રાય રન કરવામાં આવી હતી અને ૭૫ લાભાર્થીઓને ડમી વેક્સિન મૂકવામાં આવી હતી. ટુંક સમયમાં નિયમિત વેક્સિન કામગીરી શરૂ થશે. ત્યારે આણંદ જિલ્લામાં ૫૦ વર્ષથી વધુ વય ધરાવતાં ૪.૧૭ લાખ નાગરિકોને વેક્સિન મૂકવામાં આવશે. તેમજ ૫૦ વર્ષથી ઓછી વય ધરાવતાં અને જુદી જુદી બીમારી ધરાવતાં ૫ હજારથી વધુ નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. તેઓને પણ વેક્સિન આપવામાં આવશે. આરોગ્ય કર્મચારીઓ સહિત ફ્રન્ટલાઇનના કોરોના વોરિઅર્સ કર્મચારીઓને પહેલા તબક્કામાં વેક્સિન આપવામાં આવશે.
આ ડ્રાય રન શું છે?
દેશભરમાં આજથી કોરોના વેક્સિનનો ડ્રાય રન શરૂ કરવામાં આવ્યો છે. ૧૧૬ જિલ્લાના ૨૫૯ સેન્ટર પર ડ્રાયરન કરવામાં આવશે. ડ્રાય રન દરમિયાન વેક્સિનેશન માટેની તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવે છે. આ દરમિયાન અસલી વેક્સિનની જગ્યાએ ખાલી શીશીઓને કે પછી બીજી કોઈ ઔર વેક્સિનને એવી રીતે ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે, જાણે અસલી વેક્સિન હોય. આ વેક્સિનને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે. ઉપરાંત એવું જાેવામાં આવે છે કે, આખી પ્રક્રિયાને કેટલો સમય લાગે છે? વેક્સિનને લગાવીને કેવી રીતે લિસ્ટ કરવામાં આવે છે. ઓનલાઇન ડેટા કેવી રીતે ફીડ કરવામાં આવે છે?