સોમનાથ-
કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત પર તાઉતે વાવાઝોડાનું સંકટ આવ્યું હતું. આ વાવાઝોડું જે જગ્યા પરથી પસાર થયું હતું ત્યાં વિનાશ વેર્યો હતો. સૌપ્રથમ મહારાષ્ટ્ર સાથે ટકરાયા બાદ વાવાઝોડું દીવથી ગુજરાતમાં પ્રવેશ કર્યું હતું અને ત્યારબાદ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં વાવાઝોડાના કારણે મોટું નુકસાન થયું હતું. ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા હતા, તો ક્યાંક વીજપોલ પડી ગયા હતા, તો કેટલાક લોકોના ઘરો પણ તૂટી ગયા હતા અને વાવાઝોડામાં થયેલી દુર્ઘટનાઓમાં લોકોના મોત થયા હોવાની પણ ઘટનાઓ સામે આવી હતી. ત્યારે ગુજરાતમાં હજુ પણ એવા કેટલા જિલ્લાઓ છે કે જ્યાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાન બાદ વીજ પુરવઠો યથાવત થયો નથી. આ બાબતે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સોમનાથમાં વાવાઝોડાના કારણે ૨૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને ૧૪ લોકોના મોત થયા છે. સાથે જ ૩ હજાર પશુઓ પણ મૃત્યુ પામ્યા છે. વાવાઝોડાના કારણે જે નુકસાન થયું છે તે તમામને સહાય ચૂકવવાની મંજૂરી પણ આપવામાં આવી છે. અસરગ્રસ્ત લોકોને મકાન અને ઘરવખરીની સહાય ચૂકવવામાં આવશે. સાથે તેમણે એવું પણ જણાવ્યું હતું કે, વાવાઝોડાથી અસરગ્રસ્ત બનેલા ઉના અને ગીર ગઢડા તાલુકાના ૧૫૦ ગામડાંઓમાં હજુ પણ વીજ પુરવઠો યથાવત થયો નથી અને આગામી ૩૦ મે સુધી લોકોની સમસ્યાઓ તબક્કાવાર રીતે દૂર થશે.
તેમણે એવું પણ જણાવ્યું હતું કે, જે જિલ્લાઓમાં વીજ પુરવઠો યથાવત થયો નથી ત્યાં ઁય્ફઝ્રન્ની ૮૫ ટીમના ૫૮૦ કર્મચારીઓ દિવસ-રાત એક કરીને કામગીરી કરી રહ્યા છે. આ સમસ્યાને વહેલી તકે દૂર કરવા માટે વહીવટીતંત્ર પણ પ્રયત્નશીલ છે.વીજ પુરવઠો ખોરવાયો હોવાના કારણે લોકોને પાણી માટે પણ તકલીફ પડી રહી છે ત્યારે આ બાબતે જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા માટે ૧૫૦ કરતા વધારે જનરેટર સેટ થકી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સાથે જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગીર સોમનાથમાં વાવાઝોડાના કારણે ૪૪ હજાર એકરથી વધુ જમીનની ખેતપેદાશોને નુકસાન થયું છે, આ ઉપરાંત જિલ્લાના ૯૧૫૧ કાચા મકાનોને આંશિક અને ૪૫ મકાનોને સંપૂર્ણ નુકસાન થયું છે. સાથે સોમનાથ જિલ્લાના ૩ બંદર પર રહેલી ૧૬૬ બોટોને પણ વાવાઝોડાના કારણે નુકસાન થયું છે અને ગીર ગઢડા વિસ્તારના નેશ ૧૦૫ કુટુંબને નુકસાન થયું હોવાથી તમામ લોકોને નુકસાનની સહાય ચૂકવવામાં આવશે અને ૪૨ ગામડાંઓમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે રાહતની કામગીરીમાં સરકારી કર્મચારીઓની ૬૫૦ ટીમો કાર્યરત છે.