૨૦૦૫ના પૂર બાદ નક્કી થયેલાં આયોજનો કોના પાપે અભરાઈએ ચઢ્યા?

વડોદરા શહેરમાં ફરી પૂરની સ્થિતી સર્જાયા બાદ બંધ બારણે બેસીને લાંબાગાળાના આયોજનની વાત કરતા વર્તમાન સત્તાધિશોએ પોતાનાજ ભુતકાળના શાસન પર નજર દોડાવવી જાેઈએ તેવી ચર્ચા વચ્ચે વર્ષ ૨૦૦૫માં શહેરમાં આવેલા પૂર બાદ વિવિધ આયોજનો નક્કી કરવામાં આવ્યા હતા.

પરંતુ તે દિશામાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે વિશ્વામિત્રી સહિત તમામ વરસાદી પાણીના નિકાલ માટેનુ સુદ્રઢ આયોજન નક્કી કરવામાં આવ્યુ હતુ. આ તમામ યોજનાઓને વહિવટી મંજૂરી પણ મળી હતી. પરંતુ આ આયોજનો કોના પાપે અભરાઈએ ચઢ્યા ? અને શહેરને વારંવાર પૂરની સ્થિતીનો સામનો કરવો પડે છે. તેવી ચર્ચા હવે લોકોમાં થઈ રહી છે.

વડોદરા શહેરમાં વર્ષ ૨૦૦૫માં આજવાની સપાટી ૨૧૪.૨૬ ફૂટ સાથે વિશ્વામિત્રી નદીની સપાટી ૩૫.૬ ફૂટે પહોંચતા નદીના પાણી શહેરના અનેક વિસ્તારમાં ફરી વળ્યા હતા. અને શહેરમાં વિનાશક પૂરની સાથે લોકોને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે શહેરને પૂરના સંકટ માંથી મુક્તી મળે તે માટે ૨૦૦૫ ના પૂર બાદ લાંબાગાળાના વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા. નરેદ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે શહેરમાં પ્રવેશતા પાણીને અટકાવવા માટે વિવિધ આયોજનો સાથે યોજનાઓ જાહેર કરાઈ હતી.

જેમાં વિશ્વામિત્રી નદી સહિત તમામ વરસાદી પાણીના નિકાલ માટે સુદ્રઢ આયોજન નક્કી થયુ હતુ. આ તમામ યોજનાઓને વહિવટી મંજૂરી પણ મળી ગઈ હતી. આ તમામ આયોજનો કોના પાપે અભરાઈએ ચઢ્યા ? વર્તમાન સત્તાધિશો બંધ બારણે બેસીને લાંબાગાળાના આયોજનની વાત કરે છે. ત્યારે પોતાનાજ ભુતકાળના શાસન પર નજર દોડાવવી જાેઈએ. વહીવટી તંત્રએ પાણી પહેલા પાળ બાંધવાના તમામ આયોજનો તો કરી દીધા પરંતુ તેનુ અમલીકરણ ન થતાં આખરે પાણીના કારણે વિનાશ જ જાેવા મળ્યો છે.

યોજના નં - ૧

રૂપારેલ,મસિયા, ભૂખી અને વાસણા-બાંકો કાંસને દબાણ મુક્ત કરવી

જે-તે વખતે કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટી દ્વારા આ કાંસોને પૂર્ણ ક્ષમતામાં કાર્યક્ષમ કરવા અને દબાણ મૂક્ત કરવા માટેનું આયોજન કરવા કહ્યંુ હતું. આ આયોજન વચ્ચે એની માટેના બજેટ પણ ફાળવાયા હતા અને નૂર્મ યોજનામાં કરોડોનો ખર્ચ પણ કરાયો હતો, પરંતુ હાલ આ તમામ કાંસો તેની પૂર્ણ ક્ષમતાથી કાર્યરત નથી.

શું છે વર્તમાન સ્થિતિ

વડોદરા શહેરના વરસાદી પાણીને વિશ્વામિત્રી નદીમાં લઈ જઈને પૂર મુક્ત બનાવવા માટે મદદરૂપ થઈ શકે એવા ગાયકવાડી સમયના આ તમામ વરસાદી કાંસો ઉપર આજે પણ ક્યાંને ક્યાં દબાણો જાેવા મળે છે. આ ઉપરાંત કાંસ પર થયેલા ગેરકાયદેસરના બાંધકામો પર પાલિકાની મીઠી નજર રહેલી છે. એના કારણે ૨૦૦૫માં જાહેર થયેલી વરસાદી કાંસો દબાણ મુક્ત કરવાની યોજનાનો આજે પણ સંપૂર્ણ અમલ થઈ શક્યો નથી.

યોજના નં - ૨

તમામ તળાવોને વરસાદી કાંસ સહિત એકબીજા સાથેે ઈન્ટરલિંક કરવા

૨૦૦૫માં આવેલા પૂર બાદ જે સર્વે થયેલો તેના કન્ટુર મેપ આધારે ઉત્તર તરફથી આવતંુ પાણી દક્ષિણ તરફ આગળ કુદરતી ઢળાવથી વહે એ ઢળાવનો ઉપયોગ કરી શહેરના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલા તળાવોને દક્ષિણ સુધી એકબીજાની સાથે કાંસના માધ્યમથી કનેક્ટ કરવા. રૂપારેલ અને મસિયા કાંસનો તે માટે ઉપયોગ કરવો, તળાવો ભરાયા બાદ એ પાણીનો નિકાલ કરવો.

શું છે વર્તમાન સ્થિતિ

 આ આયોજન અંતર્ગત શહેરના તળાવોને જાેડવાની જે યોજના હતી એ પૈકી માત્ર મસીયા કાંસને લાલબાગ અને માંજલપુર તળાવની સાથે જાેડવામાં આવ્યુ છે. આ સિવાય અન્ય એકપણ તળાવ સાથે જાેડવામાં આવ્યુ નથી. જ્યારે વાસણા- બાંકો કાંસને માત્ર ગોરવા અને ગોત્રી તળાવની સાથે જાેડીને સંતોશ માણવામાં આવ્યો છે. બાકીના કોઈપણ તળાવને કાંસોની સાથે જાેડવામાં આવ્યા નથી.

યોજના નં - ૩

હરણી - દરજીપુરાથી જાંબુવા સુધી હાઈવે સમાંતર પાકો કાંસ બનાવવો

૨૦૦૫ના પૂર બાદ એક્સપ્રેસ હાઈવેના કારણે ઉત્તરમાંથી આવતું પાણી શહેરના બે ભાગમાં નુકસાન કરતું હતું. એક્સપ્રેસ-વેથી દક્ષિણનું પાણી પૂર્વમાં અને અને ઉત્તરનું પાણી સમામાં પ્રવેશીને તારાજી સર્જતું હતંુ. જેનાં નિકાલ માટે દરજીપુરાથી જાંબુવા હાઈવેને સમાંતર વિશાળ પાકો વરસાદી કાંસ બનાવવાની યોજના હતી. સર્વે પણ કરાયો, કન્સલ્ટન્ટ પાસે રિપોર્ટ પણ કરાવાયો હતો.

શું છે વર્તમાન સ્થિતિ

વડોદરા શહેરના દરજીપુરાથી જાંબુવા સુધી હાઇવેને સમાંતર પાકો કાંસ બનાવી વિશ્વામિત્રી નદી પરનું ભારણ અટકાવવાને બદલે મહાનગરપાલિકાના મૂર્ખ સત્તાધિશોએ દરજીપુરાથી પાણી ઉત્તર તરફ વિશ્વામિત્રી નદીમાં લાવીને છોડવામાં આવ્યું, એનો મતલબ એ થયો કે પૂર્વ વિસ્તારમાં જતું પાણી અંશતઃ ફરી શહેરના ઉત્તર વિસ્તારને પૂરની સ્થિતિ ઊભું કરવાનું મુખ્ય કારણ બન્યું છે.

યોજના નં - ૪

વિશાળ કેનાલ બનાવીને વિશ્વામિત્રી ડાયવર્ઝન કરવાની યોજના

હરણીથી શહેરમાં પ્રવેશતી નર્મદા કેનાલની ઉત્તર તરફ વિશાળ કેનાલ બનાવીને વિશ્વામિત્રી નદીના પાણીને હરણીથી સમા, સમાથી છાંણી અને છાણીથી ગોરવા, ગોરવાથી કરોડિયા, કરોડિયાથી ઉંડેરા અને ઉંડેરાથી આગળ મિની નદી સુધી લઈ જઈ ડાયવર્ટ કરવાનું આયોજન હતું. જેનાથી વિશ્વામિત્રીની સપાટી ૨૫ ફૂટ થાય ત્યારે પાણી શહેરમાં પ્રવેશતંુ અટકાવીને સીધું ડાયવર્ટ કરી શકાય.

શું છે વર્તમાન સ્થિતિ

૨૦૦૫માં રાજ્ય સરકારે આ યોજના જાહેર કર્યા બાદ શહેરના ડેવલોપમેન્ટ પ્લાનમાં આ ડાયવર્ઝનનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે માટે શહેરના સમા વિસ્તારથી ઉંડેરા સુધીના વિસ્તારમાં કેનાલને સમાંતર જમીનને પણ અનામત કરવામાં આવી છે, પરંતુ ૨૦ વર્ષથી આ ડાયવર્ઝન કાંસ બનાવવા માટેનું એકપણ પાનું હજુ સુધી હલ્યુ નથી. આ ચાર યોજનાઓ લાંબા ગાળા માટે જાહેર થઈ હતી.

ઉપરોક્ત ચાર યોજના નહીં થવા પાછળ જવાબદાર કોણ?

વડોદરા શહેરને પૂરના સંકટ માંથી મુક્તી મળે તે માટે ૨૦૦૫ના પૂર બાદ૨૦૦૫ થી ૨૦૨૪ સુધી વડોદરા શહેરમાં રાજ કરી ચુકેલા ભાજપાના શાસકોમાં તમામ મેયર સુનિલ સોલંકી, બાળકૃષ્ણ શુક્લ, જ્યોતીબેન પંડ્યા, ભરત શાહ, ભરત ડાંગર, જીગીશાબેન શેઠ, કેયુર રોકડિયા, નિલેશ રાઠોડ અને પિન્કિબેન સોની, ડે. મેયર મેમતાબેન કાળે, સ્નેહલબેન શ્રીખંડે, ડો.નિરૂબેન પટેલ, પૂનમબેન પંચાલ, અરવીંદભાઈ પટેલ, હરજીવન પરબડીયા, સીમાબેન મોહીલે, યોગેશ પટેલ ( મુક્તી ), ડો. જિવરાજ ચૌહાણ, નંદાબેન જાેશી અને ચીરાગ બારોટ, સાથે સ્થાયી સમિતીના ચેરમેન દિનેશ ચોકસી, વિષ્ણુભાઈ પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ડો. વિજય શાહ, ડો. હીતેન્દ્ર પટેલ, ડો. જિગીશાબેન શેઠ, સતીશ પટેલ, ડો. હીતેનેદ્ર પટેલ અને ડો. શીતલ મિસ્ત્રી, જ્યારે વડોદરા શહેરના તમામ ધાસભ્યો યોગેશ પટેલ, જિતેન્દ્ર સુખડીયા, લાખાવાલા, રાજેન્દ્ર ત્રીવેદી, મનીશાબેન વકીલ, સૌરભ પટેલ, સીમાબેન મોહીલે, ચૈતન્ય દેસાઈ, કેયુર રોકડિયા, બાળકૃષ્ણ શુક્લ ઉપરાંત સાંસદ સભ્ય જયાબેન ઠક્કર, બાળકૃષ્ણ શુક્લ, રંજનબેન ભટ્ટ આ લોકો સત્તાધિશો તરીકે જવાબદાર છે. જ્યારે અધિકારીઓ તરીકે મ્યુનિ. કમિશનર આર.કે. પાઠક, એમ.કે. દાસ, અશ્વીની કુમાર, મનીશ ભારદ્વાજ, એચ.એસ.પટેલ, વિનોદ રાવ, અજય ભાદુ, એન.બી. ઉપાધ્યાય, પી. સ્વરૂપ, શાલીની અગ્રવાલ, બંચ્છાનિધી પાની, દિલીપ રાણા, ઉપરાંત સીટી એન્જિનિયર તરીકે વી.એન.ટેલર, શૈલેશ મિસ્ત્રી, પી.એમ.પટેલ અને અલ્પેશ મજમુદાર આ તમામ અધિકારીઓ તરીકે જવાબદાર છે.શુ આ લોકો શહેરને થયેલા નુકસાનની જવાબદારી સ્વીકારશે કે પછી દોષનો ટોપલો બીજાના માથે નાંખીને પોતાનો કોલર ચોખ્ખો હોવાનો દાવો કરશે ?

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution