અમદાવાદ-
ગુજરાતમાં કોરોનાનો કાળો કેર વર્તાયો છે. ત્યારે એક તરફ ઓક્સીજનની અછત સર્જાઈ રહી છે. તો બીજી તરફ ઓક્સી મીટર અને ઓક્સીજનની બોટલ પર લાગતા ફ્લો મીટરની અછત પણ વર્તાવવા લાગી છે. મહેસાણાની વાત કરીએ તો મેડિકલમાં સામાન્ય દિવસોમાં રૂ.૫૦૦ થી રૂ.૧૦૦૦ વચ્ચે મળતું ઓક્સી મીટર અત્યારે રૂ.૨૦૦૦ થી રૂ.૨૫૦૦ સુધીમાં મળે તો મળે બાકી ઠન ઠન ગોપાલ. એટલે કે ઓક્સોમીટર મળતા જ નથી. તો બીજી તરફ કોઈ દર્દી માટે ઓક્સીજનની બોટલની વ્યવસ્થા કરે તો તેની ઉપર લગાવાતું ફલો મીટર મળતું નથી. અને જાે ફલો મીટર મળે તો ઓક્સીજનની બોટલ ના મળે તેવી સ્થિતિ હાલમાં સર્જાઈ છે. ખાસ કરીને લોકો હવે પોતાના ઘરે જ વ્યક્તિના શરીરમાં ઓક્સીજન લેવલ ચકાસવા ઓક્સીમીટર વસાવી લે છે. પરંતુ હાલમાં તેની પણ અછત સર્જાઈ રહી છે. એકતરફ ઓક્સીમીટરના વધુ ભાવ થઈ ગયા છે અને બીજી તરફ માલની શોર્ટેજ પણ ઉભી થઇ છે જેના કારણે હોમ આઇસોલેટ દર્દીઓ અને તેમના સગા મુશ્કેલીમાં મુકાયા છે.