દિલ્હી-
છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તારમાં ચીની સૈનિકોની ઘૂસણખોરી સામાન્ય ઘટના બની ગઈ છે. માનવામાં આવે છે કે ચીની સૈનિકોનું આ ગૂ્રપ લગભગ ત્રણ કલાક સુધી અહીં હતું. આ વિસ્તાર અસૈન્યીકૃત ક્ષેત્ર હોવાથી અહીં મોટી સંખ્યામાં પીએલએના સૈનિકોની હાજરી સુરક્ષા દળો માટે ચિંતાજનક બાબત છે. સ્થાનિક લોકોએ ચીની સૈનિકોની ઘૂસણખોરીની માહિતી આપતા આઈટીબીપી અને સૈન્યની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જાેકે, તે પહેલાં જ ચીની સૈનિકો જતા રહ્યા હતા. ગૃહમંત્રાલયના અધિકારીએ કહ્યું કે, એલએસી અંગે ભારત અને ચીનની ધારણમાં તફાવત હોવાથી આવી ઘટનાઓ અહીં અનેક વખત બનતી રહે છે. બીજીબાજુ આઈટીબીપીના પ્રવક્તાએ આ અંગે ટીપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો. જાેકે, તેમણે સ્વીકાર્યું કે કેટલાક મહિનામાં પીએલએના સૈનિકોની પ્રવૃત્તિઓ વધી ગઈ છે. પહેલાં પણ ચીને આ વિસ્તારમાં ઘૂસણખોરી કરી હતી.
પૂર્વીય લદ્દાખમાં તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ચીને હવે ઉત્તરાખંડમાં ઉશ્કેરણીપૂર્વ કૃત્યો કર્યા છે. ચીની સૈન્યના ૧૦૦થી વધુ સૈનિકો સરહદ પાર કરીને ભારતમાં ઘૂસી આવ્યા હતા અને અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તોડફોડ કરી હતી. અધિકારીઓએ કહ્યું કે પોતાની સરહદમાં પાછા ફરતાં પહેલા ચીની સૈનિકોએ એક પૂલ પણ તોડી પાડયો હતો. પૂર્વીય લદ્દાખમાં સૈનિકોને પાછા ખેંચવા મુદ્દે સકારાત્મક પ્રગતિ વચ્ચે ઉત્તરાખંડમાં ચીનની ઘૂસણખોરીએ ભારત માટે નવા જાેખમ અંગે ચેતવણીના સંકેત આપ્યા છે. ઉત્તરાખંડના બારહોતી વિસ્તારમાં પહેલા પણ ચીન ઘૂસણખોરી કરતું રહ્યું છે. સપ્ટેમ્બર ૨૦૧૮માં પણ ચીનના સૈનિકોએ અહીં ત્રણ વખત ઘૂસણખોરી કરી હોવાના સમાચારો આવ્યા હતા. ૧૯૫૪માં આ જ પહેલો વિસ્તાર હતો જ્યાં ચીનના સૈનિકોએ ઘૂસણખોરી કરી હતી અને પછી બીજા વિસ્તારો પર કબજાે કરવાનો પ્રયાસ કર્યો હતો. ૧૯૬૨ના યુદ્ધમાં પણ ચીન અહીં ઘૂસી આવ્યું હતું. તાજેતરમાં જ ૩૦મી ઑગસ્ટે ચીનના સૈનિકોની ઘૂસણખોરીના સમયે જાેકે, ભારતીય જવાનો સાથે તેમનો સામનો થયો નહોતો. કારણ કે ભારતીય જવાનોના આગમન પહેલાં જ તેઓ પાછા ફરી ગયા હતા. સંરક્ષણ વિભાગના સૂત્રો મુજબ તુન જુન લા પાસ પાર કરીને ૫૫ ઘોડા અને ૧૦૦થી વધુ સૈનિકો સરહદથી ભારતીય ક્ષેત્રમાં પાંચ કિ.મી. અંદર સુધી ઘૂસ્યા હતા.