૧૦ પ્રશ્નો રજૂ કરી ધરતીપૂત્રોએ ઉકેલ માગ્યો

નડિયાદ : ખેડા જિલ્લાના ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે ભારતીય કિસાન સંઘ દ્વારા શનિવારે ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જિલ્લાના ખેડૂતોના વણઉકેલ્યા પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ ન આવતાં ખેડૂતોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો. કેનાલ, બોરકૂવા ન હોય તેવાં વિસ્તારમાં દિવસે થ્રી ફેઝ વીજળી મળે, ઉનાળાના સમયમાં કેનાલને રીપેરિંગ કરાવવી, જિલ્લામાં ડેમનું નિર્માણ કરવું જેવાં અનેક સળગતા પ્રશ્નો અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ખેડા જિલ્લાના ખેડૂતોના વણઉકેલ્યાં પ્રશ્નોનોને તાત્કાલિક ઉકેલ લાવવા ભારતીય કિસાન સંઘે માગ કરી છે. આ સંદર્ભે કિસાન સંઘે આજે એક આવેદનપત્ર જિલ્લા સમાહર્તા આઈ.કે. પટેલને આપ્યું હતું. આવેદનમાં ૧૦ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી છે. આ ૧૦ પ્રશ્નોમાં ખેતીની જમીન રિ-સરવે રેકોર્ડ પ્રમોલગેશનમાં થયેલી ભૂલો સુધારી પુનઃ સરવેની કામગીરી હાથ ધરવી, જંગલી પશુઓથી થતાં પાકને નુકસાન અટકાવવા યોગ્ય પ્લાન ઘડવા, જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં કેનાલ, બોરકૂવા નથી તેવાં વિસ્તારમાં દિવસે થ્રી ફેઝ વીજળી મળે તેવી સુવિધા ઉપલબ્ધ કરવી, પાકની વાવણી થાય તે પહેલાં ટેકાના ભાવો નક્કી કરવા અને તેને ખરીદવા યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી, ઓછા ભાવથી ખરીદી ન કરે તેવી જાેગવાઈમાં સુધારો લાવવા, નવાં બનેલાં તાલુકામાં આરોગ્ય કેન્દ્ર રેન્જ ફોરેસ્ટ ઓફિસ, પશુ દવાખાના વગેરેમાં સ્ટાફ ઓછો હોવાથી ભરતી કરવા બાબત, નડિયાદ તાલુકામાં અનાજ મંડી બનાવવા, કપડવંજ તાલુકાના વિવિધ ગામોને આવરી લે તેવાં અલગ ડેમનું નિર્માણ કરવા વીજબિલમાં લેવાતાં વધારાના ચાર્જને બંધ કરવા, ખેત ઓજારો સબસિડી ડ્રો સિસ્ટમ હોવાથી જરૂરીયાત ધરાવતાં ખેડૂતોને લાભ નથી મળતો, જે નિયમમાં સુધારો લાવવા, ઉનાળાના સમયમાં કેનાલને રીપેરિંગ કરાવવી જેવા અનેક પ્રશ્નો અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

કિસાન સંઘનું કહેવું છે કે, દર વર્ષે આ રીતે રજૂઆત કરવામાં આવતી હોવા છતાં સરકારી અધિકારીઓ કે રાજનેતાઓ ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવતાં ન હોવાથી ધરતીપુત્રોમાં નારાજગી અને રોષ વ્યાપ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution