એમ. એસ. યુનિવસિર્ટીની ટેકનોલોજી ફેકલ્ટીના આકિર્ટેક્ચર વિભાગમાં ગત સપ્તાહમાં દારૂની ખાલી બોટલ મળી હતી. હજી વિવાદ શમ્યો નથી, તપાસ કમિટીનો અહેવાલ આવ્યો નથી. ત્યાં હવે, લો ફેકલ્ટીમાં દારૂની ખાલી બોટલ મળી છે. યુનિ.ની સુરક્ષામાં સવાલો ઊભા થયા છે.
એમ. એસ. યુનિવસિર્ટીની હેડ ઓફિસ સામે આવેલા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ પરિસરમાં લો ફેકલ્ટી ખાતે આજરોજ એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવ્યો હતો. જેમાં વડોદરા ઉપરાંત ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાંથી ૧૦૦૦ જેટલા વિદ્યાર્થી પરીક્ષા આપવા આવ્યા હતા. જેમની સાથે તેમના વાલી પણ આવ્યા હતા. એવામાં લો ફેકલ્ટીની બહારના ગાર્ડન જેવા ભાગમાં દારૂની ખાલી બોટલ મળી આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં યુનિ.ની શાખને નુકશાન થયું હતું.
આજની પરીક્ષાની તૈયારીઓ માટે ફેકલ્ટીના ડીન અર્ચના ગાડેકર સહિતનો સ્ટાફ ગઇકાલે મોડી રાત સુધી ફેકલ્ટીમાં જ હતો. ત્યારે દારૂની ખાલી બોટલ ક્યાંથી આવી તેને લઇને અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. એટલું જ નહીં સુરક્ષા વ્યવસ્થાને લઇને પણ અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. પહેલા આકિર્ટેક્ચર અને હવે, લો ફેકલ્ટીમાં જાહેરમાં દારૂ પિવાતો હોવાના પુરાવા મળી આવ્યા છે. ત્યારે દારૂ વિદ્યાર્થીઓ, શિક્ષકો કે પછી સુરક્ષા જવાનો જ પી રહ્યા છે કે પછી બહારના અસમાજીક તત્વો કેમ્પસમાં આવી દારૂની પાર્ટી કરી રહ્યા છે.