અમદાવાદ-
રાજ્યની 6 મહાનગર પાલિકામાં કોંગ્રેસનો સફાયો થયો છે જેમાં વડોદરા પણ બાકાત નથી. વડોદરામાં કોંગ્રેસને માત્ર 7 બેઠકો મળી છે. જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રશાંત પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું હતુ. કોંગ્રેસના સુપડા સાફ થતા કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. વડોદરા મહાનગરપાલિકાની કુલ 76 બેઠકો માંથી કોંગ્રેસને ફાળે માત્ર 7 બેઠકો મેળવી હતી જયારે ભાજપના ફાળે 69 બેઠકો જતા ફરી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી કમાન સંભાળશે.
આજે ગુજરાતભરની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે મતગણતરી યોજાઈ જેમાં ભાજપને ફરી એકવાર જનતાએ સત્તાનું કામણ સોંપ્યું છે તો કોંગ્રેસને જાકારો આપ્યો છે. જોકે કોંગ્રેસ માટે નાક કપાવા જેવી વાત એ છે કે પારંપરિક ગઢ ગણાતી બેઠકો પણ આ વખતે કોંગ્રેસે ગુમાવી છે એટલે લાજથી બચવા માટે હવે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે અને કોંગ્રેસ શહેર પ્રમુખો રાજીનામાં આપવા લાગ્યા છે.