વડોદરા : કોરોના મહામારીના કારણે રાજ્યભરની કોર્ટમાં બંધ કરી દેવાયેલી પ્રત્યક્ષ સુનાવણીની કાર્યવાહી ૩૪૫ દિવસ બાદ આજ ફરી શરૂ કરવામાં આવી હતી. નામદાર હાઈકોર્ટના આદેશ બાદ આજથી વડોદરાની કોર્ટો પણ અગાઉની જેમ કાર્યરત થતા વકીલોમાં ભારે આનંદની લાગણી ફેલાઈ હતી જયારે વડોદરાની કોર્ટમાં લાંબા ગાળા બાદ વકીલો અને પક્ષકારો પ્રત્યક્ષ સુનાવણીની કામગીરી માટે હાજર રહ્યા હતા.
કોરોનાના કારણે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટની કોર્ટમાં પ્રત્યક્ષ કાર્યવાહી બંધ કરવામાં આવી હતી અને માત્ર મહત્વના કેસોની વચ્ર્યુઅલ કાર્યવાહી ચાલુ રહી હતી. જાેકે કોર્ટમાં પ્રત્યક્ષ કાર્યવાહી બંધ રહેવાના કારણે મોટાભાગના તમામ વકીલોની આર્થિક સ્થિતિ પર પણ ગંભીર અસર પડી હતી. આ અંગે થોડાક સમય અગાઉ ચારેય વકીલ મંડળોના પ્રમુખો દ્વારા હાઈકોર્ટમાં કોર્ટમાં ફીઝીકલ હિયરીંગ શરૂ કરવા માટે રજુઆતો કરાઈ હતી. દરમિયાન કોરોનોના કહેર ધીમો પડતા આજે પહેલી માર્ચથી રાજ્યના ચારેય મહાનગરોમાં કોર્ટો ફિઝીકલી શરૂ કરવાનો આદેશ થતા આજે વડોદરામાં જુનાપાદરા રોડ પર બનેલી નવી કોર્ટ ફરી અગાઉની જેમ ધમધમી ઉઠી હતી.આ અંગે ભારે ખુશી વ્યક્ત કરતા વડોદરા વકીલ મંડળના ટ્રેઝરર એડવોકેટ નેહલ સુતરિયાએ જણાવ્યું હતું કે હાઈકોર્ટના આદેશ મુજબ કોરોના ગાઈડ લાઈનના ચુસ્ત પાલન સાથે આજે કોર્ટમાં ફિઝીકલ હિયરીંગની કાર્યવાહી શરૂ કરાઈ છે. કોર્ટમાં માત્ર એક જ મુખ્ય દ્વાર ખુલ્લો રાખવામાં આવ્યો છે તેમજ કોર્ટમાં આવનાર દરેક વકીલો અને પક્ષકારોને કોર્ટ સ્ટાફ દ્વારા થર્મલ ગન દ્વારા ચકાસણી બાદ તેમજ બે સ્થળે ઉભા કરેલા સેનેટાઈઝર બુથ પર હાથોમાં સેનેટાઈઝ લગાવ્યા બાદ જ કોર્ટમાં પ્રવેશ અપાયો છે. આશરે ૩૪૫ દિવસ બાદ કોર્ટ શરૂ થતાં વકીલો અને પક્ષકારોમાં ખુશીની લાગણી છે અને હવે અત્યાર સુધી પેન્ડીંગ પડેલી સમન્સ અને વોરંટની કામગીરી અને કેસોનું બોર્ડ બનવાની પણ શરૂઆત થઈ છે.