અફઘાનિસ્તાન, તાલિબાન, ક્રિકેટ અને ટી-૨૦

લેખકઃ જે.ડી.ચૌહાણ | 

અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ટી-૨૦ વિશ્વ કપમાંથી નામાંકિત દેશોની છુટ્ટી થઈ હતી. જેમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સૌથી મોટું નામ હતું. જ્યારે આ શ્રેણીની મહત્વની વાત એ છે કે પોતાના ગ્રુપમાંથી અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમે આઠ સુપરહિટ ટીમમાં સ્થાન મેળવી લીધું હતું.

અફઘાનિસ્તાન પર તાલીબાનો શાસન કરે છે અને તેઓ કટ્ટરપંથી છે. તેઓ મનોરંજનના કોઈ પણ સાધનને નકારે છે. મનોરંજનની કોઈપણ પદ્ધતિ ત્યાં થવા દેવામાં આવતી નથી. મોટાભાગની રમતો પણ પ્રતિબંધિત છે. જ્યારે મજાની વાત એ છે કે કટ્ટરપંથી અફઘાનિસ્તાનમાં માત્ર બે જ રમતોને સરકાર તરફથી મંજૂરી આપવામાં આવી છે અને તેને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ બે રમતોમાં એક છે ક્રિકેટ અને બીજી છે ફૂટબોલ.

ક્રિકેટમાં અફઘાનિસ્તાનની ટીમે તાજેતરમાં ટી-૨૦ વિશ્વ કપમાં જે દેખાવ કર્યો છે તે જાેતાં સૌ સ્તબ્ધ થઈ ગયાં છે. પાકિસ્તાન જેવી મહારથી ટીમ સુપરહિટમાં સ્થાન લઈ શકી નથી અને ફેંકાઈ ગઈ છે. ત્યારે અફઘાનિસ્તાનની ટીમે સુપર- ૮માં સ્થાન મેળવીને સાબિત કરી આપ્યું છે કે તેઓ એક ફોર્સ છે. તેઓ આ સ્પર્ધામાં અસરકારક સાબિત થઈ શકે એમ છે.

અફઘાનિસ્તાનમાં સત્તાપલટો થયો અને તાલીબાને ફરી એકવાર અફઘાનિસ્તાન પર પોતાનો કબજાે જમાવી દીધાં પછી ક્રિકેટ વિશ્વમાં એક સવાલ પૂછાતો હતો કે અફઘાનિસ્તાન ક્રિકેટના અસ્તિત્વ સામે જાેખમ ઊભું થયું છે અને બાબતને સાચી સાબિત કરતા અફઘાનિસ્તાનના મોટાભાગના ક્રિકેટરો અફઘાનિસ્તાન છોડવા માંડ્યા હતાં. જેમાં મુજીબુર રહેમાન અને કેસએહમદ ઇંગ્લેન્ડમાં ૧૦૦ ટુર્નામેન્ટમાં ભાગ લેવાના બહાને ઇંગ્લેન્ડ ગયાં હતાં અને ત્યાં જ રોકાઈ ગયાં હતાં. ભારતની આઇપીએલમાં રમવા આવ્યાં હતાં. કેટલાક ક્રિકેટરો યુએઈ પણ પહોંચી ગયાં હતાં. જેથી તેઓ તેની ક્રિકેટની કારકિર્દી બચાવી શકે. હવે આ બધી પરિસ્થિતિ જાેયા બાદ અફઘાનિસ્તાન ક્રિકેટ કેવી રીતે જન્મ્યું અને કેવી રીતે તેનો વિકાસ થયો એ જાણવું રસપ્રદ થઈ પડે એમ છે.

અફઘાનિસ્તાન મોટાભાગે અલગ અલગ કબીલાઓમાં વહેંચાયેલ દેશ છે. માટે અફઘાનિસ્તાનમાં રમતો પણ અલગ અલગ કબીલાઓ સાથે જાેડાયેલી છે. તાજીક લોકો ફૂટબોલને પસંદ કરે છે. જ્યારે પસ્તુંન લોકો ક્રિકેટને પસંદ કરે છે.

અફઘાનિસ્તાને અત્યાર સુધીમાં બે વાર ઓલમ્પિક ગેમ્સમાં મેડલ જીત્યાં છે. આ બંને મેડલ રોહુલ્લહ નિકપાઈએ ૨૦૦૮ અને ૨૦૧૨ની ઓલિમ્પિક ગેમ્સમાં જીત્યાં હતાં. તે કબીલામાંથી આવે છે. અહીં રમત અને તેને રમનારાઓના હિસાબે તેના વિજયની ખુશી અને ઉત્સવ ઉજવાય છે. એટલે કે જાે ફૂટબોલની ટીમ જીતે તો તેનું સ્વાગત કરનારાઓ મોટાભાગના લોકો તાજીક હોય છે. પરંતુ જાે ક્રિકેટ ટુર્નામેન્ટ જીતે તો તેનું સ્વાગત કરનારા મોટાભાગના પસ્તુંન લોકો હોય છે. અફઘાનિસ્તાનમાં સૌથી વધુ વસતી તેઓની છે. તેઓ મોટાભાગે પૂર્વ વિસ્તારમાં રહે છે જે પાકિસ્તાનની સાથે જાેડાયેલો છે.

અફઘાનિસ્તાનમાં ક્રિકેટ પસ્તુંનોની રમત છે. તાલીબાન પસ્તુંનોના આદિવાસી વિદ્યાર્થીઓએ બનાવેલું સંગઠન છે. બહુમતી ધરાવતા પસ્તુંનો દેશના પૂર્વની સાથે દક્ષિણ વિસ્તારમાં પણ રહે છે. અને આ બંને વિસ્તાર પાકિસ્તાન સાથે જાેડાયેલા છે. તાલીબાની લડવૈયાઓ વચ્ચે પણ ક્રિકેટરો લોકપ્રિય છે.

આ બાબતને સ્પષ્ટ કરવી હોય તો કહી શકાય કે ૧૯૯૬થી ૨૦૦૧ દરમિયાન જ્યારે અફઘાનિસ્તાનમાં તાલીબાની સત્તા હતી તે સમયે તમામ પ્રકારની રમતો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. લોકો તે સમયે કોઈ પણ રમત રમી શકતાં ન હતાં. જાે કે ક્રિકેટ બાબતે તેમનું વલણ નરમ હતું. તેના પર કોઈ પણ પાબંદી મૂકવામાં આવી ન હતી. હવે ફરીવાર તાલીબાન જ્યારે સત્તા પર આવેલ છે ત્યારે આખા દેશમાં ભય ફેલાઈ ગયો છે. છતાં પણ અફઘાનિસ્તાનમાં કાબુલમાં મજાથી ક્રિકેટ રમાય છે.

અફઘાનિસ્તાન ક્રિકેટનો જન્મ પાકિસ્તાનમાં અફઘાનીઓ માટે બનાવેલા રેફ્યુજી કેમ્પમાં થયો હતો. ૧૯૮૦ના દશકમાં ઘણા લોકોએ પાકિસ્તાનમાં શરણ લીધું હતું.એ દરમિયાન જ તેમને ક્રિકેટ રમવાનું શીખ્યું હતું. અફઘાનિસ્તાનના મોટાભાગના સ્ટાર ખેલાડી આ કેમ્પમાંથી જ બહાર આવ્યાં હતાં.

૧૯૯૫માં અફઘાનિસ્તાનનાં રમત સંગઠનની રચના પણ પાકિસ્તાનની ધરતી પર જ કરવામાં આવી હતી. તેને કારણે ક્રિકેટને પોતાની રમત ગણાતા નથી .

પસ્તુંન સિવાયના લોકો ક્રિકેટ ટીમને શંકાની નજરે જુએ છે અને તેને પાકિસ્તાનનો એક ભાગ માને છે. જાે કે તે બાદ અફઘાનિસ્તાન ક્રિકેટના વિકાસમાં પાકિસ્તાની ભૂમિકા પૂરી થઈ અને તેનું સ્થાન ભારતે લઈ લીધું.

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનું બેઝ ભારત બન્યું અને તેને પોતાની તમામ ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ મેચ ભારતમાં રમી હતી. ભારતમાં તેના પ્રેક્ટિસ કેમ્પ પણ રહ્યાં હતાં. અને અહીંથી જ વિશ્વને રાશિખાન જેવા કલાસ ખેલાડીઓ મળ્યા હતા. ફરી તાલીબાની સત્તા છે ત્યારે ત્યાં ક્રિકેટની લોકપ્રિયતા ચરમસીમાએ છે એ તાજેતરના ટી-૨૦ વિશ્વકપમાં સાબિત થઈ ગયું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution