અફઘાન મહિલાઓ તાલિબાની મહિલાવિરોધી કાયદાઓ સામે ગીત ગાતા વિડીયો અપલોડ કરી અવાજ ઉઠાવે છે

સોશિયલ મીડિયા પર તાલિબાની કાયદા સામે ઓનલાઈન વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલી મહિલાઓના વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે. તાલિબાન દ્વારા અફઘાન મહિલાઓને જાહેરમાં વાત કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

તાલિબાન અધિકારીઓએ ગયા અઠવાડિયે નવા કાયદાની જાહેરાત કરી હતી. જેમાં સૌથી વધુ વાંધાજનક એ છે કે અફઘાન મહિલાઓનો અવાજ ઘરની બહાર સંભળાવો જાેઈએ નહીં. જવાબમાં, અફઘાનિસ્તાનની અંદર અને બહાર અફઘાનિસ્તાન મહિલાઓએ સોશિયલ મીડિયા પર ગીત ગાતા વીડિયો પોસ્ટ કર્યા છે, તેમજ “માય વૉઇસ ઇઝ નોટ બાનેટ” અને “નો તાલિબાન” જેવા હેશટેગ્સ સાથે સંગઠિત ઝુંબેશ ચલાવી છે.

હાલમાં પોલેન્ડમાં રહેતી અફઘાનિસ્તાનની ભૂતપૂર્વ પોલીસ વુમન ઝાલા ઝાઝાઈએ પોતે આર્યાના સઈદનું ગીત ગાતો એક વીડિયો શેર કર્યો છે. તેણજ કહ્યું કે અફઘાન મહિલાઓ પરના પ્રતિબંધો અસ્વીકાર્ય છે. ઝાલા ઝાઝાઈએ કહ્યું, અફઘાનિસ્તાનની મહિલાઓ સમજી ગઈ છે કે દુષ્કર્મવાદીઓ હવે ધર્મ અને સંસ્કૃતિના નામે આપણા માનવ અધિકારો છીનવી શકશે નહીં. અમારા અધિકારો માટે ઉઠાવવામાં આવેલ અમારો અવાજ ક્યારેય બંધ કરી શકશે નહીં. અફઘાન મહિલા કાર્યકરોના જૂથોએ કંદહારથી શાસન કરતા તાલિબાન નેતા હિબતુલ્લા અખુન્દઝાદાના ચિત્રો તોડી નાંખતા વીડિયો પણ પોસ્ટ કર્યા છે. આવી મહિલાઓમાં તૈયબા સુલેમાની એ વિશ્વભરની સેંકડો અફઘાન મહિલાઓમાંની એક છે જેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાને ગાતા વીડિયો અપલોડ કરે છે. ફૂલોના ગુલદસ્તાથી શણગારેલા અરીસામાં પોતાને જાેઈને, તૈયબા સુલેમાની ગાવાનું શરૂ કરે છે. પર્શિયનમાં આ ગીત આશાનો સંદેશ આપે છે “ એક દિવસ હું ઉડીશ, એક દિવસ હું આઝાદ થઈશ.”

૨૦૨૧માં તાલિબાન ફરી સત્તામાં આવ્યા પછી, ત્રણ વર્ષ પહેલા અફઘાનિસ્તાનથી કેનેડા ભાગી ગયેલા સુલેમાનીને તેના પરિવારને અલવિદા કહેવાનો મોકો પણ મળ્યો નહતો. પરંતુ, તે હાલમાં ૧૦૦૦૦ માઈલથી વધુ દૂર રહેતી હોવા છતાં, તાલિબાનોએ તેને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે ફોન પર ચેતવણી આપી હતી કે તેનો પરિવાર હજુ પણ અફઘાનિસ્તાનમાં છે. તેઓ કંઈ પણ કરી શકે છે.

પરંતુ સુલેમાની ડર્યા નહતા. તેણે કહ્યું, “આનાથી મને ખાતરી થઈ છે કે મારે પહેલા કરતા વધુ તાકાત સાથે આગળ વધવું પડશે.”

નોર્વે રહેતી અફઘાન વિમેન્સ જસ્ટિસ મૂવમેન્ટની સ્થાપના કરનાર મહિલા હુદા ખામોશે પોતાનો એક ક્રાંતિકારી કવિતા ગાતો વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે જાે તમે અમારા માટે તમારા દરવાજા બંધ કરશો તો અમે અમારા અવાજાે સાંભળવા માટે બારીઓનો ઉપયોગ કરીશું. અફઘાનિસ્તાનની અંદરની મહિલાઓ પણ હવે તેમના ગીતોના વીડિયો રેકોર્ડ કરી રહી છે, ક્યારેક એકલી અને ક્યારેક જાેડીમાં અથવા નાના જૂથોમાં. છતાં તે હંમેશા બુરખામાં રહે છે જેના કારણે તેની ઓળખ છુપાયેલી રહે છે.

અફઘાનિસ્તાનની એક પત્રકાર ઝહરાએ, જે પોતાની સુરક્ષા માટે માત્ર તેના પહેલા નામથી ઓળખાવા ઈચ્છતી હતી, તેણે કહ્યું કે અફઘાનિસ્તાનનો નવો કાયદો હવે મહિલાઓના અવાજને કનિષ્ઠ ગણે છે અને તેમને જાહેરમાં ગાવા, કથન કરવા અથવા વાંચવા પર પ્રતિબંધ છે.

ઝહરાએ કહ્યું, ક્યારેક અમને ખરાબ સપના આવે છે કે તાલિબાન આવશે અને અમારી ધરપકડ કરશે. જાેકે, સિંગિંગ વીડિયોના પ્રતિભાવમાં દુનિયાભરમાંથી સમર્થન મળ્યા બાદ કેટલીક મહિલાઓ હવે વધુ મજબૂત મનોબળ અનુભવી રહી છે. તેમને આશા છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય આગળ આવશે અને અફઘાન મહિલાઓની સુરક્ષામાં મદદ કરશે. તૈયબા સુલેમાનીએ કહ્યું, કૃપા કરીને અમને તાલિબાન સાથે એકલા ન છોડો. અમને બધાને તમારા સમર્થનની જરૂર છે.” -તંત્રી

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution