સાહસ,મહેનત અને સમયની પરખઃ જીત પાક્કી છે

લેખકઃ સુરેશ મિશ્રા | 

સુરતના રેલવે સ્ટેશન પર વિરોધાભાસ જણાય એવા બે દૃશ્યો જાેવા મળ્યાં.

એક દ્રશ્ય હતું ખૂબ જાણીતા અને અંગ્રેજાેના સમયથી સંચાલિત પુસ્તક ભંડાર એટલે કે બુક સ્ટોલનું અને બીજું બૂટપોલીશ કરીને રોજગારી મેળવતા પરિશ્રમીનું.

આ પુસ્તક ભંડારો એક સમયે લગભગ પ્રત્યેક મોટા રેલવે સ્ટેશન પર જાેવા મળતાં. નવું પુસ્તક પ્રકાશિત થાય એટલે લગભગ એ જગ્યાએ મળી જ આવે. અંગ્રેજી,ગુજરાતી,હિન્દી અને જુદા જુદા પ્રદેશોની ભાષાના ઢગલો પુસ્તકો, જાણીતા સામયિકો અને છાપાઓથી સ્ટોલ ઉભરાતો હોય. મોટાભાગે લાંબો પ્રવાસ કરવાનો હોય એ લોકો એમની અભિરુચિ પ્રમાણે સામયિકો કે નવલકથાઓ ખરીદે અને નોકરિયાત અને ટૂંકા અંતરે પ્રવાસ કરનાર દૈનિક પ્રવાસીઓ છાપા ખરીદે.

ક્યારેક આ પુસ્તક ભંડારો વાચકોથી ઉભરાતા.આજે એ બ્રાન્ડના પુસ્તક ભંડારો તો ઘણા સ્ટેશનોએ છે.પરંતુ હવે આ જગ્યાએ પુસ્તકો અને સામયિકોથી વિશેષ પડીકાબંધ ખાદ્ય સામગ્રી અને પ્રવાસી જરૂરિયાતની વસ્તુઓ વેચાય છે. સુરતની એ ચોપડીની હાટડીમાં માત્ર એક લંબચોરસ જગ્યામાં થોડા છાપાં અને પુસ્તકો હતા,જ્યારે આખો સ્ટોલ ઈતર વેચાણ સામગ્રીથી ભરેલો હતો.

આવું કેમ? બુક સ્ટોલ પરથી બુક્સ એટલે કે વાચન સામગ્રી કેમ લગભગ ગુમ થઈ ગઈ? એક કારણ તો એવું કે હવે મોબાઈલની ડિજિટલ દુનિયામાં દુનિયાભરના પુસ્તકો અને છાપાં લગભગ મફતમાં વાચવા મળે એટલે ખરીદનારા ગ્રાહકો ઘટી ગયા. અન્ય કારણો પણ હશે.

આ બુક સ્ટોલથી થોડેક જ આગળ એક બૂટપોલીશ કરીને આજીવિકા રળનાર પરિશ્રમીની નાનકડી પ્લેટફોર્મ દુકાન હતી.

એણે પોતાની જગ્યાને લગભગ એક નાનકડો શોપિંગ મોલ બનાવી દીધી હતી. બૂટપોલીશનો મૂળ ધંધો જાળવી રાખ્યો હતો. તેની સાથે એ ભાઈ કોઈ પ્રવાસીની બેગની બગડી ગયેલી ચેનનું સમારકામ કરતા હતા.

 એના ફૂટપાથ સ્ટોલની ખૂબ નાનકડી જગ્યામાં એક થાંભલાને ટેકે એણે પ્રવાસીઓને ઉપયોગી નાના તાળા,નાની મોટી સાંકળો,વાયરવાળા અને વાયર વગરના મોબાઈલના હેડ સેટ, હાથ ધોવા માટેના પેપર સોપ જેવી અવનવી ચીજાે ભરી હતી.

આવું કેમ? એક સ્થાપિત વ્યવસાયનો સ્ટોલ સંકોચાઈ ગયો અને એક નાનકડા પરિશ્રમીએ એટલી જ જગ્યામાં એના ધંધામાં વિવિધતા આણી.

એનું મુખ્ય કારણ છે સાહસિકતા અને ઉદ્યમશિલતા. નાના માણસોમાં બહુધા વેપાર બદલાતા રહેવાની ગજબની હિંમત અને સાહસિકતા જાેવા મળે છે, જ્યારે સ્થાપિત વેપારવાળા લોકો સમયની સાથે ઝડપથી બદલાવાની હિંમત દાખવી શકતા નથી એટલે જૂના અને અપ્રાસંગિક થઈ જાય છે.

સૌથી મોટું ઉદાહરણ દેવીપૂજક સમાજનું છે.આ સમાજના લોકો ગજબની હિંમત ધરાવે છે અને સાહસ કરે છે.

શિયાળો આવે એટલે લોકો તંદુરસ્તીની રક્ષા માટે સુકો મેવો,વસાણાં અને તેમાંથી બનેલી પૌષ્ટિક વાનગીઓ ખાવાનું શરૂ કરે.

એટલે આ સમાજના લોકો ફૂટપાથની લારી પર કાજુ,બદામ,અખરોટ,પિસ્તા,દ્રાક્ષ,અંજીર ઇત્યાદિના ઢગલા કરી દે. અનાજ કરિયાણાના નાના કે મધ્યમ વેપારીની દુકાનમાં તમે પાંચ કિલો કાજુ કે બદામ એકસામટા માંગો તો ભાગ્યે જ મળે. આ લોકોની મોસમી દુકાનમાં આ સૂકા મેવાનો કોથળો ભરેલો હોય! કેવી સાહસિકતા! અને ભાવમાં પણ ફરક પડે. હા,ક્યારેક ગુણવત્તામાં ઓછું વધતું હોય.પરંતુ એમને ગ્રાહક તો મળી જ રહે અને ભાવતાલ પણ થઈ શકે.

  ફૂટપાથ પર એક લારીમાં ૪૦થી ૫૦ હજારની કિંમતનો માલ ભરીને વેચવો સાચે જ મોટું સાહસ છે. કારણ કે ફૂટપાથના વેપારીઓને હાલતા ચાલતા ગોદા મારનારા ઝાઝા હોય છે. આ દખલ વચ્ચે સફળ વેપાર કરવામાં વિપુલ હિંમતની જરૂર પડે.

  અને આ લોકો મોસમ પ્રમાણે ધંધો બદલે. ઉતરાયણ આવે તો પતંગ દોરા,ગોગલ્સ,ટોપીઓ,તો હોળી આવે તો રંગો અને પિચકારી,અને દિવાળી આવે તો ઘર સજાવટની વસ્તુઓ,ફટાકડા અને રંગોળી. ઉનાળામાં પહેલા ટેટી તડબુજ અને પછી ભાત ભાતની મોંઘી કેરીઓ. એક પ્રકારના વેપારને વળગી જ ના રહે.મોસમ બદલાય અને વેપાર બદલાય અને એની સાથે વેપારની કુનેહ બદલાય.

  માત્ર દેવીપૂજક સમાજ નહીં, અન્ય ઘણા લોકો હવે વધારાની આવક માટે વખત પ્રમાણે નાના મોટા વિવિધતાભર્યા વેપાર કરે છે. હવે મધ્યમવર્ગના લોકો પણ આવક વધારવા મોસમ પ્રમાણે ઘર નજીક હાટડી માંડી નાનામોટા ધંધા કરવામાં છોછ અનુભવતા નથી. ઉનાળામાં આઇસ ગોળાની ઠેર ઠેર મંડાતી હાટડીઓ એનો દાખલો છે.

  એક વાત નક્કી છે કે નાના માણસોની આ ઉદ્યમ કરવાની વૃત્તિ એમને મોસમ પ્રમાણે બદલાતી રોજગારીથી જીવન ગુજારવાની તાકાત અને ક્ષમતા આપે છે. વિવિધ પ્રકારના ધંધા કરવાની કુશળતા એમનામાં સાહસ સીંચે છે અને ઘણીવાર આ ફૂટપાથી પરિશ્રમ ધીરજ અને સાહસથી મોટા સ્ટોરની માલિકી સુધી લઈ છે.

  કહેવત છે ને કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય. અને સાહસ વગર સિદ્ધિ નથી એ પણ એટલું જ સાચું છે...

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution