કબીરે કહ્યું છે કે - चाम चश्म सौं नजरि न आवै, खोजु रूह के नैना । કબીરના આ દોહાનો અર્થે છે કે ભગવાનને ચર્મની આંખથી જાેઈ શકાય છે. જયારે પરમાત્માને આત્મદૃષ્ટિથી જ જાણી શકાય છે.
કબીરે આ ભેદ કેમ કહેવો પડ્યો! સામાન્ય ચલણમાં આપણે ઈશ્વર, ભગવાન, પ્રભુ જેવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ અધ્યાત્મમાં આ દરેક શબ્દ અલગ અર્થ માટે છે. જેની અજ્ઞાનતા હોવાથી સામાન્ય ભાષામાં આ શબ્દોનો ઉપયોગ થાય છે. કબીરે તળપદી સાદી ભાષામાં આ ભેદ સમજાવી દીધો છે. અધ્યાત્મ મુજબ ઈશ્વર અને ભગવાન ભિન્ન શક્તિઓ છે. વેદોના અર્થ પ્રમાણે સમગ્ર સૃષ્ટિને ઉત્પન્ન કરવાવાળા ઈશ્વર છે. જેમનું કોઈ સ્વરૂપ નથી. માત્ર ચેતના છે. તે નિરાકાર ચેતના બ્રહ્મ છે. મનુષ્યની આત્માને કોઈ આકાર નથી હોતો તેમ જે પરમ આત્મા છે તે પરમાત્મા નિરાકાર છે. વેદ-ઉપનિષદ અનુસાર ઈશ્વર સૂક્ષ્મ અને નિર્ગુણ છે. ઈશ્વરને આંખ, કાન, નાક, જીભ અને ત્વચા જેવી પાંચ જ્ઞાનેન્દ્રિયોના માધ્યમથી અનુભવી શકાતા નથી. ઈશ્વર અનંત, નિરાકાર, અજન્મા, અવ્યક્ત, અવિનાશી અને સર્વવ્યાપક છે. ઈશ્વર પરમ ચેતનારૂપી છે તેથી પરમેશ્વર છે.
વૈદિક સનાતન ધર્મમાં નિરાકાર ઈશ્વર માટે પરમાત્મા, પરમબ્રહ્મ અને રામ જેવા શબ્દના ઉલ્લેખ થાય છે. સનાતનમાં રામ શબ્દના બે અર્થ છે. નિરાકાર ઈશ્વરને 'નિર્ગુણ રામ‘ કહેવાય છે જયારે અયોધ્યાપતિ રાજા રામને 'સગુણ રામ‘ કહેવાય છે. નિર્ગુણ રામ ઈશ્વર છે જયારે સગુણ રામ ભગવાન. ઈશ્વર શક્તિ સ્વરૂપા છે જેથી ઈશ્વરની ઉપાસના થાય છે. જયારે ભગવાન આકાર રૂપે જેથી તેમની પૂજા થાય છે. દુનિયાના લગભગ તમામ ધર્મના કેન્દ્રમાં નિરાકાર, અવિનાશી ઈશ્વર છે. ખ્રિસ્તી ધર્મમાં પણ ય્ર્ંડ્ઢ અજન્મા અને અનંત હોવાનું કહેવાયું છે. પારસી ધર્મમાં નિરાકાર અને અજન્મા ઈશ્વર અહુરમજદાની પ્રાર્થના થાય છે. ઇસ્લામમાં નિરાકાર અલ્લાહની ઈબાદત્ત થાય છે.
ઋગ્વેદમાં કહેવાયું છે "एकोहं बहुस्याम।" અર્થાત એકમાત્ર પરમાત્મા હતા. જેમણે એકમાંથી અનેક થવા સૃષ્ટિની રચના કરી. જેથી પરમાત્મા સિવાયનું સૃષ્ટિ ઉપર જે કંઈ પણ છે તે પરમાત્માની રચના છે. રામચરિત માનસમાં કહેવાયું છે કે संभु विरंचि विष्णु भगवान। उपजहिं जासु अंस ते नाना। પરમાત્માએ રચેલા સંસાર ચક્રને સંચાલિત કરતી ચેતનાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. તે બાદ સમસ્ત દેવી દેવતાઓનું સર્જન કરનાર પરમાત્મા છે. જે દિવસે પરમાત્મા સૃષ્ટિનો નાશ કરે ત્યારે દેવી દેવતાઓના દાયિત્વ પણ સમાપ્ત થાય છે.
પરમાત્મા નિર્ગુણ રૂપે છે જેમના અંશથી સગુણ રૂપ સાકાર ભગવાન તેમજ દેવી-દેવતાનો પ્રાદુર્ભાવ થાય છે. પરમાત્માએ દેવતાઓને અલૌકિક શક્તિઓ આપી છે જે સામાન્ય માણસોમાં નથી હોતી. તેથી મનુષ્ય દેવી-દેવતાઓનું આવાહન તેમજ પૂજા-ઉપાસના કરે છે. માણસ ભગવાન તેમજ દેવતાઓને સગુણ સ્વરૂપમાં પૂજે છે.
સામવેદમાં લખ્યું છે કે “द्वै वाव ब्रह्मणो रूपे मूर्तं चामूर्तं चाथ यन्मूर्तं तदसत्यं यदमूर्तं तत्स्त्यं तद्ब्रह्म....।" અર્થાત્ બંને સ્વરૂપ પરમબ્રહ્મના હતા. એક મૂર્ત અને બીજું અમૂર્ત. જેમાં અમૂર્ત છે તે સત્ય બ્રહ્મ છે. જે મૂર્ત છે તે શરીરધારી, સ્થૂળ, સગુણ અને સાકાર છે. અમૂર્તનો અર્થ છે, અશરીરી, સૂક્ષ્મ, નિર્ગુણ, નિરાકાર. વેદ મુજબ મૂર્ત જે રૂપ-આકારવાળું શરીરધારી છે તે તેના દાયિત્વ ર્નિવહન બાદ નહીં રહે. જયારે નિર્ગુણ બ્રહ્મ નિરાકાર અને અવિનાશી છે. તે અજન્મા છે અને અમર છે.
વિષ્ણુ પુરાણ મુજબ ભગવાન કહે છે.. “ऐश्वर्यस्य समग्रस्य वीर्यस्य यशः श्रियः । ज्ञानवैराग्यौश्चैव षण्णां भग इतिरणा ।।" અથાત ઐશ્વર્ય, વીરતા, યશ, જ્ઞાન વૈરાગ્યના સમન્વયને ભગ કહેવાય છે જેણે તેને નિત્ય રૂપે ધારણ કરેલા છે જે ગુણ જેનામાં હંમેશા રહે છે તે ભગવાન કહેવાય છે. જેથી આ ગુણ ધરાવતા ભગવાન અનેક છે. જેથી ભગવાન દ્વૈત છે જયારે પરમબ્રહ્મ ઈશ્વર એક જ છે.. તે અદ્વૈત છે. ભગવાનનું નિશ્ચિત સ્વરૂપ હોય છે જયારે ઈશ્વર નિરાકાર છે. ભગવાન કોઈ નિશ્ચિત કાલખંડમાં હોય છે જયારે ઈશ્વર અવિનાશી છે. વૈદિક શાસ્ત્રો અનુસાર ઈશ્વરની અનુભૂતિ કે પ્રાપ્તિથી મોક્ષ મળે છે. જયારે ભગવાનના દર્શનથી સ્વર્ગ મળે છે. ઈશ્વરે આ સૃષ્ટિની રચના કરી છે. ધરતી, સૂર્ય, ચંદ્ર, જીવ, જંતુ, મનુષ્ય. જયારે દેવતાઓને સંસારમાં કોઈ પ્રયોજન સાથે ઈશ્વરે મોકલ્યા હોય છે. જેથી ભગવાનને અવતાર રૂપે પૂજાય છે જયારે ઈશ્વરને ચેતના રૂપે.