ભારતીય સંસ્કૃતિના પ્રમુખ તહેવારોમાંથી એક છે ‘નવરાત્રિ’. સંસ્કૃતિ અને ધાર્મિકતાને રંગે ચંગે ઉજવતો આ તહેવાર સામાન્ય રીતે વર્ષમાં ચાર વખત આવે છે. ચૈત્ર નવરાત્રિ, શારદીય નવરાત્રિ અને બે ગુપ્ત નોરતા. પર્વની પાઠશાળામાં આજે આપણે શારદીય નવરાત્રિ વિષે જાણીશું. આ નવરાત્રિ પિતૃપક્ષ પૂર્ણ થયા પછી તરત આસો મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ એ એટલે કે આ વર્ષે ૩જી ઓક્ટોબરે શરૂ થાય છે. જે ૧૧મી ઑક્ટોબર એમ નવ દિવસ સુધી દુર્ગા માતાના વિવિધ સ્વરૂપોની વંદના સાથે ઉજવાશે અને ૧૨મી ઓક્ટોબર, દશમનો દિવસ વિજયાદશમી એટલે કે ‘દશેરા’ તરીકે ઉજવાશે.
નવરાત્રિ ભારતના અલગ અલગ પ્રાંતોમાં વિવિધ રીતે ઉજવાતી જાેવા મળે છે. જેમાં બંગાળ, ગોવા અને કેરળ જેવા રાજ્યોમાં દુર્ગા માતાની મોટી સુંદર મૂર્તિની સ્થાપના અને ખાસ મહિષાસુરમર્દિની સ્વરૂપની પૂજા થાય છે. તેમજ વિજયાદશમી રાવણના પૂતળાના દહન સાથે ઉજવવામાં આવે છે. જ્યારે ગુજરાતમાં નવરાત્રિમાં માતાજીની ઉપાસનાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ ભક્તિ સાથે ગરબા રમવાનું છે. ગરબા સાથે નવરાત્રિ ઉજવવાનું આ ચલણ વિદેશમાં વસતા ગુજરાતી લોકો એ પણ જાળવી રાખ્યું છે.
આપણા વિવિધ પુરાણોમાં નવરાત્રિનું મહત્વ, તેના વિધિ વિધાન અને તેની કથાઓનો ઉલ્લેખ જાેવા મળે છે. નવરાત્રિ જીવનમાં સુખ અને સમૃદ્ધિ આપનારી તથા નકારાત્મક તત્વોને દૂર કરી વિજય અપાવનારી છે. આદ્યશક્તિની આરાધના મનોવાંછિત ફળ આપનારી છે. માતા સૌ ભક્તોના કષ્ટો દૂર કરી મંગળ કરે એવો મહિમા છે નવરાત્રીનો! નવરાત્રિના પ્રથમ દિવસથી ક્રમશઃ માતા શૈલપુત્રી, માતા બ્રહ્મચારિણી, માતા ચંદ્રઘંટા, માતા કુષ્માંડા, મા સ્કંદમાતા, મા કાત્યાયની, માતા કાલરાત્રિ, માતા મહાગૌરી અને સિદ્ધિદાત્રી માતાની પૂજા અને આરાધના થાય છે. નવરાત્રિમાં ગૃહિણીઓ સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરી પૂરા ઘરની સફાઈ કરી ઘરના મુખ્ય દ્વારે આંબાના પાંદડાના તોરણ બાંધે છે. ઘરના મંદિરમાં માતાજીની સ્થાપના થાય છે. તેમની પાસે કળશ સ્થાપન અને ગરબો રખાય છે. રોજ પૂરો પરિવાર સાથે મળીને માતાજીની આરતી કરે છે તો ઘરની સ્ત્રીઓ ગરબા ગાય છે. માતાને રોજ પ્રસાદ અને ખાસ કરીને સાતમ, આઠમ અને નોમના દિવસે નૈવેદ્ય ધરાય છે. આ ઉપરાંત આ દિવસોમાં કુમારિકા પૂજનનું વિશેષ મહત્વ કહ્યું છે. આપણી સનાતન સંસ્કૃતિમાં કુમારિકાને સાક્ષાત માતાનું સ્વરૂપ માનવામાં આવે છે. દીકરીઓ અને કન્યાઓને ભાવભર્યું આમંત્રણ અપાય છે. તેમને કંકુ, ચોખા અને આરતીની થાળી સાથે વધાવી પૂજન થાય છે. તેમના જમણા પગના અંગૂઠાને શુદ્ધ જળ, ગંગાજળ કે દૂધથી ધોઈ કંકુ ચોખાથી વધાવાય છે. તેમને ભાવભર્યું ભોજન કરવી યથાશક્તિ દાન દક્ષિણા આપવામાં આવે છે. જેમાં ખાસ કરીને શૃંગારની વસ્તુઓ જેવી કે કંકુ, ચાંદલો, બંગડી, ચુંદડી તેમજ વસ્ત્રો અને શણગાર ભેટ અપાય છે. આ સિવાય સુંદર મજાનો ગરબો દીવા સહિત આપવામાં આવે છે. હજુ પણ ગુજરાતના ગામડાઓ અને અમુક શહેરોમાં કન્યાઓ માથે ગરબો લઈ ઘરે ઘરે ગીત ગાવા ટોળાં સહિત જાય છે. જેમને પ્રેમથી આવકારી અને દાન દક્ષિણા અપાય છે. ગરબા ગાવા આવતી નાની બાળાઓ પારંપરિક ગીતો ગાઈ હજુ પણ આપણી સંસ્કૃતિને ઘર ઘર પહોંચાડીને જાળવી રાખે છે.
આ નવ દિવસો દરમિયાન રોજ માતાજીની પૂજા, આરતી અને પ્રસાદ થાય છે. પૂરો પરિવાર સાથે મળીને ‘વિશ્વંભરી સ્તુતિ’ તથા ‘જય આદ્યા શક્તિ’ ગાઈને આરતી કરે છે. તો ‘દુર્ગા સપ્તશતી’, ‘શ્રી દેવી સૂક્ત’ અને ‘શક્રાદય સ્તુતિ’ ગાવાનો પણ વિશેષ મહિમા છે. રોજ રાત્રે બધા લોકો સાથે મળીને નજીકના ચોકમાં, મંદિરના પ્રાંગણમાં કે સમાજવાડીઓ અને સ્થાનિક પાર્ટી પ્લોટ કે ગ્રાઉન્ડમાં નાના-મોટા પાયે ગરબા અને દાંડિયારાસનું કાર્યક્રમ રાખે છે. સમૂહમાં આરતી કરી પ્રસાદ અને ગરબા રમવાનો લ્હાવો માણે છે.
નવરાત્રી અંગે વિવિધ પુરાણોમાં વિવિધ કથાઓ જાેવા મળે છે. એક પ્રચલિત કથા અનુસાર મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. ઘોર તપસ્યાને પરિણામે તેને એવું વરદાન મેળવ્યું કે તે કોઇ પણ નર જાતિથી મૃત્યુ ન પામી શકે. વરદાન મેળવ્યા બાદ અહંકારથી ચૂર થઈ તેણે ત્રણે લોકમાં હાહાકાર મચાવી દીધો. તેણે દેવોને હરાવીને ઋષિઓના આશ્રમનો પણ નાશ કર્યો. ત્યારબાદ મહિષાસુરે વિષ્ણુલોક અને કૈલાશ જીતવાનો પણ નિશ્ચય કર્યો. આ વાતની જાણ થતાં દેવોએ ભગવાન શિવ અને વિષ્ણુ પાસે સહાયતા માંગી. તેમના કહ્યા પ્રમાણે સૌએ માતા આદ્યશક્તિની આરાધના કરી. પ્રસન્ન થઈને માતાએ તેમની સમસ્યાનું સમાધાન કરવા દુર્ગા રૂપ ધારણ કર્યું. અષ્ટભુજા, અનેક અસ્ત્ર-શસ્ત્ર અને અપાર શક્તિ સાથે માતા એ નવ દિવસ સુધી મહિષાસૂર સાથે યુદ્ધ કર્યું. દસમા દિવસે તેનો સંહાર થયો. તેથી દેવી મહિષાસુરમર્દિની નામે ઓળખાયા. ત્યારબાદ બધા દેવો અને ત્રણેય લોકોએ ઉત્સવ મનાવ્યો, જેને આપણે આજે પણ દશેરા તરીકે ઉજવીએ છીએ.