ન્યુ દિલ્હી-
નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં સૌથી વધુ સૌથી વધુ સેલરી પેકેજ મેળવનારા બેન્કરોમાં એચડીએફસી બેન્કના મેનેજીંગ ડિરેક્ટર આદિત્ય પુરી ટોચ પર છે. તેમને ગત વર્ષે પગાર પેઠે રૂ. ૧૮.૯૨ કરોડ મળ્યા હતા. પુરીના પગાર અને ભથ્થામાં ૩૮%નો વધારો થયો હતો. બેંકના વાર્ષિક અહેવાલ મુજબ આદિત્ય પુરીએ ગયા નાણાકીય વર્ષમાં સ્ટોક ઓપ્શન્સમાંથી વધારાના રૂ. ૧૬૧.૫૬ કરોડની કમાણી પણ કરી હતી.
દેશની બીજી સૌથી મોટી ખાનગી બેંક આઇસીઆઇસીઆઇ બેન્કના મેનેજીંગ ડિરેક્ટર અને સીઇઓ સંદીપ બક્ષીની ગ્રોસ ગત નાણાકીય વર્ષમાં રૂ. ૬.૩૧ કરોડ રહી હતી. બક્ષીએ ઓક્ટોબર ૨૦૧૮માં પદ સંભાળ્યું હતું. બેંકના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ ૨૦૧૯માં છ મહિના માટે બક્ષીને રૂ. ૪.૯૦ કરોડ મળ્યા હતા.
કોટક મહિન્દ્રા બેન્કના મેનેજીંગ ડિરેક્ટર ઉદય કોટકના પગારમાં ૧૮%નો ઘટાડો થયો હતો. બેંકના વાર્ષિક અહેવાલ મુજબ, તેમને રૂ. ૨.૯૭ કરોડ પગાર મળ્યો હતો. તેના આગળ વર્ષે તેમનો પગાર રૂ. ૩.૫૨ હતો. ઉદય કોટક પાસે બેન્કના ૨૬% શેર છે. બેન્કે કોરોના મહામારીના કારણે રૂ. ૨૫ લાખથી વધુ પગાર મેળવનારા અધિકારીઓના પગારમાં ૧૦% કાપની જાહેરાત કરી છે. આ કપાત મે ૨૦૨૦થી લાગુ કરાયો છે.