ગાંધીનગર, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કોરોના સંક્રમિત દર્દીઓને જરૂરિયાત અનુસાર રેમડેસિવિર ઇન્જેક્શન મળી રહે તે માટે યોગ્ય અને પૂરતી વ્યવસ્થા અને પ્રબંધ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે પ્રતિદિન આશરે ૨૫ હજાર જેટલા રેમડેસિવિર ઈન્જેક્શન રાજ્ય સરકાર દ્વારા સરકારી તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. જેના થકી હોસ્પિટલોમાં દાખલ થયેલા અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓને સારવાર માટે આ રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનની તંગી ઊભી ન થાય અને પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ અને પ્રયત્નશીલ છે તેમ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આજે કેટલાક મીડિયામાં વહેતા થયેલા અહેવાલોમાં જણાવાયું છે કે ભાજપા શાસિત રાજ્યોને ગુજરાતમાંથી રેમડેસિવિર ઇન્જેક્શન મોકલવામાં આવશે. જે અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આ અહેવાલો બિલકુલ પાયા વિનાના અને તથ્ય વિહોણા છે.