ગુજરાતના સરહદી ક્ષેત્ર કચ્છમાં મળશે નર્મદાનું વધારાનું 1 મિલીયન એકર ફિટ પાણી, 6 તાલુકાના 96 ગામોની તરસ છીપાશે

ગાંધીનગર-

ગુજરાતના સરહદી ક્ષેત્ર કચ્છમાં નર્મદાનું વધારાનું ૧ મિલીયન એકર ફિટ પાણી પહોચાડવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીનો ઐતિહાસિક અને જનહિત સંવેદનાસ્પર્શી નિર્ણય લેવામાં આવ્યો છે. નર્મદાના પૂરના વધારાના પાણીમાંથી કચ્છને ૧ મિલીયન એકર ફિટ પાણી આપવા રૂ. ૩૪૭પ કરોડના કામો હાથ ધરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. કચ્છના પ્રજાજનોની લાંબાગાળાની લાગણી અને અપેક્ષા આકાંક્ષા સંતોષવાનો પ્રજા કલ્યાણલક્ષી અભિગમ વિજય રૂપાણીએ અપનાવ્યો છે. તદઅનુસાર ફેઇઝ-૧ હેઠળ ૩૪૭પ કરોડ રૂપિયાના અંદાજિત કામો ત્વરાએ જળસંપત્તિ વિભાગને હાથ ધરવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. કચ્છ જિલ્લાના રાપર, અંજાર, મુંદ્રા, માંડવી, ભૂજ અને નખત્રાણા એમ ૬ તાલુકાના ૯૬ ગામોની ર લાખ ૩પ હજાર એકર જમીનને નર્મદાના પાણીની સુવિધા આ કામોના પરિણામે મળતી થશે. છ તાલુકાઓની ૩ લાખ ૮૦ હજાર માનવ વસ્તીને-લોકોને આ પાણીનો લાભ મળશે. આ યોજના અંતર્ગત કચ્છના સરણ જળાશય સહિત ૩૮ જળાશયોમાં નમર્દાનું પાણી નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ પ્રદેશના ચેક ડેમ અને તળાવોમાં પણ આ પાણી નાખવાના આયોજનથી ભૂગર્ભ જળ રિચાર્જ થશે. નર્મદા મૈયાના આ જળથી કચ્છના ખેડૂતો મબલખ પાક ઉત્પાદન લઇ આર્થિક સમૃદ્ધિ મેળવી શકશે તેમજ ઢોર-ઢાંખર માટે ઘાસચારાની સમસ્યા પણ હલ થશે. પાણીના અભાવે ઢોર-ઢાંખરનું થતું સ્થળાંતર અટકશે અને પશુઓને ઘાસચારો ઉપલબ્ધ થતાં દૂધ ઉત્પાદનમાં પણ વધારો થશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution