સ્માર્ટ સિટીના સ્માર્ટ કોર્પોરેશનમાં - ‘પ્રિકોશન ઈઝ બેટર ધેન ક્યોર’ની નીતિથી શહેરનો વહિવટ ચાલી રહ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે પણ...’ ઉપચાર કરતા સાવચેતી સારી...’ તેવા આદર્શ નિયમને અનુસરીને કોર્પોરેશન હવે, અંધારું થવાની રાહ પણ જાેતું નથી! બપોરથી જ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરી દે છે. કોર્પોરેશનની આવી ઉત્કૃષ્ઠ કામગીરીથી સમા-સાવલી રોડના રહીશો અત્યંત પ્રભાવિત છે! તેમને એવું લાગી રહ્યું હશે કે, કદાચ ધોળેદિવસે અજવાળામાં સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવાનો અભિગમ સ્માર્ટ સિટી અંતર્ગત અપનાવવો પડતો હશે. ખેર, ક્યારેક બપોરના સમયે તમે સમા-સાવલી રોડની કેનાલ પાસેથી પસાર થાવ તો જાેઈ લેજાે..! સોલાર પેનલની સામે ભર બપોરે અજવાળામાં સ્ટ્રીટ લાઈટો ઝગમગતી હશે. વાસ્તવમાં દિવસના અજવાળામાં સ્ટ્રીટ લાઈટને લીધે વીજળીનો દેખીતો વેડફાટ થઈ રહ્યો છે, તેવું નાના બાળકને પણ ખબર પડે. મધ્ય ગુજરાત વીજ કંપનીને અનુરોધ છે કે, એકાદ સ્માર્ટ મીટર કોર્પોરેશનના આ સ્ટ્રીટ લાઈટ વિભાગના સંબંધિત અધિકારીના ઘરે પણ લગાવવામાં આવે, જેથી એમને પણ ખબર પડે કે, વીજળીનો વેડફાટ કેટલો મોંઘો સાબિત થઈ શકે છે.