વડોદરા, તા.૧૮
દેશભરમાં શિક્ષણ મંદિરોનું નિર્માણ કરવા માટે અદાણી ફાઉન્ડેશને ખાનગી કે-૧૨ શિક્ષણ ક્ષેત્રની વિશ્વની અગ્રણી જીઇએમએસ એજ્યુકેશન સાથે સહયોગ કર્યો છે. અદાણી પરિવાર તરફથી રૂપિયા બે હજાર કરોડની પ્રારંભિક સખાવત સાથેની આ ભાગીદારી સમાજના તમામ વર્ગના લોકોને પરવડે તેવા વિશ્વ-સ્તરના શિક્ષણ અને જ્ઞાન સરીતાને વહેતી મૂકવા માટેની માળખાકીય સવલતો પ્રસ્થાપિત કરવાને પ્રાધાન્ય આપશે. આ ભાગીદારી નૂતન અને ક્ષમતા વિકાસ સમર્થિત શિક્ષણની યોગ્યતા વિકસાવવાની આસપાસ કેન્દ્રિત-શ્રેષ્ઠ કક્ષાની સંશોધન સંસ્થાઓને પણ ઉત્તેજન આપશે.સૌથી પહેલી ‘અદાણી જેમ્સ સ્કૂલ ઓફ એક્સેલન્સ’ ૨૦૨૫-૨૬ના શૈક્ષણિક વર્ષમાં લખનૌમાં અસ્તિત્વમાં આવશે. ત્યારબાદ આગામી ત્રણ વર્ષમાં કે-૧૨ ક્ષેત્રમાં ભારતના પ્રાથમિક મેટ્રોપોલિટન શહેરો અને પછીથી ટાયર ટુ થી ટાયર ફોર શહેરોમાં આ પ્રકારની ઓછામાં ઓછી ૨૦ શાળાઓ પ્રસ્થાપિત કરવામાં આવશે. સીબીએસઇ અભ્યાસક્રમ સાથેની આ શાળાઓમાં ૩૦% બેઠકો શિક્ષણથી વંચિત અને લાયક બાળકો માટે નિશૂલ્ક રહેશે.સસ્તું અને એક ટકાઉ મોડેલ વિકસાવવાની યોજના છે.