નેપોટિઝ્મ પર પહેલી વાર બોલ્યો અભિષેક બચ્ચન, 'પપ્પાએ મારા માટે કોઈ ફિલ્મ નથી બનાવી'

મુંબઇ 

અભિષેક બચ્ચને બોલિવૂડમાં ચાલી રહેલા નેપોટિઝ્મના વિવાદ મુદ્દે પોતાની વાત રજૂ કરી છે. તેના જણાવ્યા મુજબ તો 20 વર્ષના ફિલ્મી કરિયરમાં ક્યારેય તેના પિતા અમિતાભ બચ્ચને તેની મદદ નથી કરી. તે કહે છે કે કોઈપણ એક્ટરને લાંબા કરિયરમાં માત્ર ઓડિયન્સની એક્સ્પેક્ટેશન મદદ કરી શકે છે.

ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં અભિષેકે પિતા અમિતાભને લઈને કહ્યું કે, 'હકીકત એ છે કે તેમણે ક્યારેય કોઈનો ફોન પણ નથી ઉઠાવ્યો. તેમણે ક્યારેય મારા માટે ફિલ્મ નથી બનાવી. આનાથી ઊંધું મેં તેમના માટે 'પા' પ્રોડ્યુસ કરી હતી. કહેવાનો અર્થ છે કે તેમણે ક્યારેય મારી મદદ નથી કરી.'

અભિષેકે આગળ જણાવ્યું કે, 'લોકોએ સમજવું જોઈએ કે આ એક ધંધો છે. પહેલી ફિલ્મ પછી જો તેમને તમારામાં કઈ ન દેખાયું તો ફિલ્મ નંબર્સ નહીં મેળવી શકે તો તમને નેક્સ્ટ જોબ નથી મળવાની. આ જિંદગીની કડવી હકીકત છે.'

અભિષેકના જણાવ્યા મુજબ, તે સારી રીતે જાણે છે કે ઇન્ડસ્ટ્રી કઈ રીતે કામ કરે છે. તેણે કહ્યું, 'જ્યારે મારી ફિલ્મો ન ચાલતી તો મને ખબર હતી. મને ખબર છે કે મને કઈ ફિલ્મોમાં રિપ્લેસ કરવામાં આવ્યો છે. હું એ ફિલ્મો વિશે જાણું છું જે બની ન શકી. જે શરૂ તો થઇ પરંતુ તેમની પાસે બજેટ ન હતું. આવું એટલા માટે કારણકે તે સમયે હું બેંકેબલ ન હતો. અમિતાભ બચ્ચનનો દીકરો અહીંયા છે.'

અભિષેક બચ્ચન આ વર્ષની શરૂઆતમાં છેલ્લે વેબ સિરીઝ 'બ્રીધ 2'માં દેખાયો હતો અને તેના રોલના ઘણા વખાણ થયા હતા. તેની આગામી ફિલ્મ 'લુડો' 12 નવેમ્બરે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે જેને અનુરાગ બાસુએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં અભિષેક સિવાય આદિત્ય રોય કપૂર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા પણ સામેલ છે. 


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution