મુંબઇ
ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 14'માં ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈક તથા પતિ અભિનવ શુક્લા જોવા મળે છે. બંને શોમાં છેલ્લા અઢી મહિનાથી જોવા મળે છે. બંનેને દર્શકોનો ઘણો જ સપોર્ટ મળી રહ્યો છે. શોમાં રૂબીનાએ એક ટાસ્ક દરમિયાન ઘટસ્ફોટ કર્યો હતો કે બંને આ વર્ષે ડિવોર્સ લેવાના હતા અને તેણે પતિને નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો.
આ અઠવાડિયે 'બિગ બોસ 14'ની ગ્રાન્ડ ફિનાલે યોજાશે. ફિનાલેમાં માત્ર ચાર સભ્ય જ જશે. શોના દરેક સભ્ય ફિનાલેમાં જવા માટે પ્રયાસ કરી રહ્યાં છે. હાલમાં જ 'બિગ બોસ'એ ઘરના સભ્યોને એક ટાસ્ક આપી હતી. આ ટાસ્કમાં દરેક સભ્યે પોતાના જીવનની સિક્રેટ વાત કહેવાની હતી. રૂબીનાએ પતિ અભિનવ સાથેના તૂટતાં સંબંધો અંગે વાત કરી હતી. રૂબીનાએ કહ્યું હતું, 'અમે બંને ડિવોર્સ લેવાના હતા પરંતુ અમે એકબીજાને નવેમ્બર સુધીનો સમય આપ્યો હતો.'
આ વાત કહેતાં સમયે રૂબીના ઘણી જ ભાવુક થઈ ગઈ હતી અને રડી પડી હતી. વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું, 'અમારા ડિવોર્સ થવાના હતા. જો અમે બંને આ શોમાં ના આવ્યા હોત તો અમે આજે સાથે ના હોત.' કન્ફેશન બાદ અભિનવે રૂબીનાને ગળે લગાવી હતી.
રૂબીનાની આ વાત બાદ અભિનવે તેના આ નિર્ણયની ટીકા કરી હતી. અભિનવે કહ્યું હતું, 'હવે આ વાતની ચર્ચા દરેક લોકો કરશે. આ આપણું સીક્રેટ હતું અને હવે આ દુનિયાને પણ ખબર પડી ગઈ.' રૂબીના પહેલાં સલમાન ખાને પણ શોના ગ્રાન્ડ પ્રીમિયરમાં બંનેના સંબંધો અંગેની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે રૂબીના તથા અભિનવે 2018માં લગ્ન કર્યાં હતાં. જોકે, ગયા વર્ષે તેમના સંબંધોમાં કડવાશ આવી ગઈ હતી.