અમદાવાદ-
આપણા પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે કાલરાત્રિએ માતા નવદુર્ગાનું સાતમું સ્વરૂપ છે. તેમની ચાર ભૂજાઓ દર્શાવાઈ છે. માતાએ એક હાથમાં ખડગ અને બીજા હાથમાં તીક્ષ્ણ લોહઅસ્ત્ર ધારણ કરેલું છે. ત્રીજો અને ચોથો હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં છે. માતા દેખાવે કૃષ્ણવર્ણનાં છે. તેમનું વાહન ગદર્ભ છે. માતા કાલરાત્રિને ત્રણ નેત્રોવાળાં દર્શાવાયા છે. ગળામાં અલૌકિક માળા ધારણ કરેલી છે. શ્વાસોચ્છ્વાસમાં અગ્નિ જવાળાઓ પ્રકટે છે. ગદર્ભ પર બિરાજિત છે.
નવરાત્રિના સાતમા દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજનઅર્ચન કરાય છે. પ્રચલિત પૌરાણિક કથા પ્રમાણે શુંભ અને નિશુંભ નામના બે મહાકષ્ટકારી અસુરોનો સંહાર કરવા માટે દેવી પાર્વતીએ કાલરાત્રિ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બંને દૈત્યોએ ઇન્દ્રના ત્રણ લોક અને યજ્ઞભાગ પડાવી લીધા હતા. સૂર્યચંદ્ર સહિતના દેવો સહિત તમામ દેવના અધિકારો હણી લીધાં હતાં અને તેમને સ્વર્ગમાંથી બહાર કરી દીધા હતાં. ત્યારે તેઓએ હિમાલયના ઊંચા શિખરો પરથી માતા મહાદેવીને પ્રાર્થના કરતા દીર્ઘસ્તુતિ કરી હતી. આ સમયે માતા પાર્વતી ત્યા ગંગાસ્નાન માટે પધાર્યાં હોય છે. તેથી દેવોની સ્તુતિ સાંભળી અનુકંપિત થઈને મા ભગવતીએ પૃચ્છા કરવાની સાથે તેમણે પોતાનામાંથી એક શક્તિ ઉત્પન્ન કરી. તે દેવી કૌશિકી-કૃષ્ણવર્ણનાં હોઈ દેવોએ તેમને કાલિકા કહ્યા તેમને શુંભનિશુંભનો નાશ કરવા પ્રાર્થનાઓ કરી. દેવી ભાગવતમાં આ યુદ્ધની શરુઆતમાં ચંડમુંડનો દેવી દ્વારા નાશની કથા પણ આવે છે. દુર્ગા સપ્તસતીથી પરિચિત લોકો પણ ભગવતીના એ અપ્રતિમ સાહસ અને શૌર્યની ગાથા જાણે છે અને દેવીએ કેવા ભયંકર પ્રકોપ અને ક્રોધપૂર્વ શુંભનિશુંભનો નાશ કર્યો તેનું રોચક અને સહૃદયોને શાતા આપનારું કથાનક નવરાત્રિના આ સાતમાં સ્વરુપ માતા કાલરાત્રિના મહિમાનું સ્મરણ કરવામાં આવે છે.
ભય અને અભય, આ બંને લાગણીઓ સાથે લગભગ દરેક વ્યક્તિ જીવનમાં પસાર થતી હોય છે. વળી આજના સંઘર્ષ અને મહામારીના સમયમાં મોટાભાગના લોકો વ્યથિત, ત્રસ્ત બની ગયા છે અને ઝંખે છે કે બધું પહેલાંની જેમ ગોઠવાઈ જાય. આ લાગણીની પાછળ ભયમુક્ત થવાની ઝંખના જ છે ને. આ જ રીતે દેવદાનવના નિરંતર સંધર્ષમાં દાનવી, પાશવી અમાનુષી કાર્યોનો ભોગ બનનાર પરમાત્માની શરણમાં જતા દેવ ઇચ્છે છે કે તેમનું રક્ષણ કરનાર શક્તિ હોય. નવરાત્રિના સાતમાં નોરતે જેમનું સ્વરુપ દર્શન પ્રથમ દ્રષ્ટિએ ભયંકર લાગે છે પણ જેઓ છે અભયંકરી એવા માતા કાલરાત્રિ, તેમનું પૂજનઅર્ચન, યજનભજન કરવાનો સમય છે.