નરકમાંથી પસાર થતી વખતે દોટ મૂકવી સરળ છે,
સ્વર્ગમાંથી બહાર નીકળવાની તૈયારી કોની હોઈ શકે?
મહાનતાના સંદર્ભે વાત કરીએ તો બે પ્રકાર છે, માણસના!
(૧)પરિસ્થિતિને પડકારીને તેને પરાજિત કરનારા મહામાનવો અને (૨)સ્વયંને પડકારજનક સ્થિતિમાં મૂકીને પરિસ્થિતિઓને સમૂળગી બદલી નાખનારા મહામાનવો!
પહેલી પ્રકારના મહામાનવોમાં વિશ્વભરના અવતારો, પયગંબરો, દેવદૂતો, ઋષિઓ, સંતો, વૈજ્ઞાનિકો, કલાકારો, સમાજસેવકો, ખેલાડીઓ, બૌદ્ધિકો, ફિલોસોફરો, લેખકો, કવિઓ વગેરેની ગણના થઈ શકે. થોથાના થોથા માત્ર નામોલ્લેખથી ભરાઈ શકે તેટલા માનવ-રત્ન પૃથ્વીને પેટે પાક્યા છે, આ કેટેગરીમાં. જેઓ સંજાેગો સામે થાક્યા ત્યાં સુધી નહીં પણ જીત્યા નહીં ત્યાં સુધી લડત આપી. ઉપેક્ષા થઈ, વિરોધ થયાં, સજા થઈ, બદનામી થઈ, કલંકિત થયાં છતાં પોતાના સિદ્ધાંતો પર અટલ રહી સંઘર્ષ કરતા જ રહ્યાં અને કાં પરિસ્થિતિઓ આગળ હથિયાર હેઠા મૂકાવ્યાં, કાં પોતાની લડતને આગળ વધારી શકે તેવા યોદ્ધાઓની ફૌજ ઊભી કરતા ચાલ્યાં.
એવા લોકોનું ઋણ હરેક દેશ, સમાજ, સભ્યતા અને સંસ્કૃતિને માથે સદાય રહેવાનું જ... જે ફેડી શકાય તેમ નથી અને એવા ઋણ સ્વીકાર સાથે જ એ મહામાનવની વાત કરીએ કે જેમની સામે પરિસ્થિતિઓ વિપરીત નહોતી બલ્કે પરિસ્થિતિઓ સુખના ગુણાકાર ને દુઃખના ભાગાકાર જેવી હતી. છતાં જેણે સાવ નિતાંત એકાંતની વાટ પકડી. સુખના સાડા બાવનમાં સ્વર્ગની સાડીબારી રાખ્યા વગર?!
લખનારને બે નામની ખબર છે, એક છે બુદ્ધ, એક છે મહાવીર! પગ તળે સુખ સાહ્યબી-સમૃદ્ધિ-સફળતાના રેલાના રેલા ચાલ્યા જતા હતાં ત્યારે આ બંનેએ કાંઈક ‘અ-સુખ’ અનુભવ્યું ને આપણી ભાષામાં કહીએ તો ‘ઉઠ પાણા પગ પર’ કહી સુખના સ્વર્ગને ઠોકર મારી જંગલની વાટે ચાલતી પકડી! અમેઝિંગ! જે સુખ માટે માણસ કોઈપણ હદે જવા તત્પર છે તે સુખને સરેઆમ ઠુકરાવી જવા માટે કેટલા ઈંચની છાતી જાેઈએ?! અને જાે સુખ જ સુખ ચારેકોર છલકતું હતું તો હવે ક્યું સુખ હતું, જેના માટે સામે હતું એ સુખ તજવાનું હતું?!
વાતમાં કાંઈક દમ છે! સિદ્ધાર્થ ગૌતમ અને વર્ધમાન જેવા વીર, શૂરવીર, મહાપરાક્રમી, સાહસી, તેજસ્વી, સામર્થ્યવાન, સૌષ્ઠવવાન, વિદ્વાન અને અતિધનવાન પુરુષોને કમતિ સૂઝે એવું તો બુદ્ધિનો બારદાન પણ ન કહી શકે?! તો પછી આ બે જણ મહેલ છોડી જંગલમાં શું શોધવા ચાલ્યા ગયા હશે, ભરજુવાનીમાં?
કોઈ બાહ્ય-પરિસ્થિતિનું દબાણ નહીં, બલ્કે પરિસ્થિતિઓ તો પગ ધોવા આતુર! એ જમાનાનું જે કાંઈ સર્વશ્રેષ્ઠ હતું, બધું ચરણોમાં હતું! પછી અંતરદ્વન્દની કઈ પરિસ્થિતિ રચાઈ હશે ભીતર?! સમ્રાટ થવાની ક્ષમતા અને યોગ્યતા હોય ત્યારે માણસ ભિક્ષુક બનવા તલપાપડ હોય ને ભિક્ષુક બની ભિક્ષા માંગી પણ જાેઈ, જાતને ભિક્ષુક કહેવડાવી પણ શકે તે વિરલતમ્ ઘટના છે. દુનિયાભરમાં શૂન્યથી પૂર્ણ થવાનું શિક્ષણ આપતી કરોડો સંસ્થાઓ છે. શૈક્ષણિક, ધાર્મિક, રાજકીય, સામાજિક કે અન્ય કોઈપણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તાલીમ આપનારાઓ શૂન્યથી પૂર્ણ થવા સુધીનું શિક્ષણ આપે છે. પૂર્ણથી શૂન્ય થવું હોય તો કોણ શીખવે? શું શીખવે? કઈ રીતે શીખવે? ક્યા જઈને શીખવે અને કોણ શીખવા આવે? ઈગોના એસ્ટાબ્લિસમેન્ટ અને ફૂલફિલમેન્ટ માટેનું શિક્ષણ સર્વત્ર ઉપલબ્ધ છે પણ ઈગોના ડેક્સ્ટ્રીનાઈઝેશન માટે ક્યાં જવું, કોણ જાણે છે?! છતાં બધા કહે છે કે અહંકાર તો દસ માથાળા રાવણનો પણ ન્હોતો ટક્યો, તો બીજા કોઈનો તો શાનો ટકે માટે કોઈયે ઈગો - ફીગો રાખવો નહીં!
ખેર! સિદ્ધાર્થ વનમાંથી આવ્યા ત્યારે બુદ્ધ હતાં અને વર્ધમાન હતાં મહાવીર. બુદ્ધ કરુણાનો અવતાર બન્યાં ને મહાવીર અહિંસાના! બંને એ સમસ્ત માનવ જગતને ‘ધ્યાન’ની ભેટ આપી! નિર્વિચાર મનની પરાકાષ્ઠા પર ફલિત થતા ‘નિર્વાણ’ની દિક્ષા આપી. લોકો કહે છે કે બંનેએ મહાન ત્યાગ કર્યો, જેમને ‘ધ્યાન’ની અનુભૂતિ છે, તેઓ કહે છે કે અસલી હીરા હાથ લાગે તો કાંકરા આપોઆપ છૂટવા લાગે છે!
સૌથી સમજવા યોગ્ય વાત આ બંને ઘટનામાં એ બની કે ભોગના શિખર પર ત્યાગ ઘટિત થાય તે ફળદ્રુપ સાબિત થાય છે. બાકી ત્યાગની સુફિયાણી વાતો દંભી અને વાંઝણી પૂરવાર થાય છે!
પરિસ્થિતિઓ આપણી તરફેણમાં હોય ત્યારે સામે ચાલીને કસોટીની એરણ પર જાતને મૂકવાથી એ સાબિત થાય છે કોન્ફીડન્સ, કરેજ અને કરેસ્મેટિક કરેસ્ટ્રીકના કોમ્બીનેશનને કેળવવા માટે આપણે કોચીંગ કરવા જવાની ક્યાંય જરૂરિયાત નથી, ઓન્લી સ્મોલ આઈ ઈઝ ઈન, સ્ટોર ટુ રાઈટ કેપિટલ ‘આઈ’!
ઃ ઠ ફેક્ટર ઃ
ઉઠાતી હૈ જાે ખતરા
હર કદમ પર ડૂબ જાને કા
વહી કોશિશ
સમંદરો સે ખજાના ઢૂંઢ લાતી હૈ!