‘આપ’ના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું, ભાજપના ગુંડાઓથીમારા જીવનું જોખમ છે..

ગાંધીનગર-

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાનાં લેરિયા ગામે આમ આદમી પાર્ટી –‘આપ’ના નેતા ઈસુદાન ગઢવી, મહેશ સવાણી અને પ્રવીણ રામ સહિતના આગેવાનો જનસંવેદના યાત્રા યોજી રહ્યા હતા ત્યારે તેમના કાફલા ઉપર કેટલાક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે ગુજરાતનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ હુમલાની ઘટના અંગે ‘આપ’નું કહેવુ છે કે, તેમના ઉપર થયેલો હુમલો ભાજપના ઈશારે થયો છે. જ્યારે બીજી તરફ, ભાજપ દ્વારા એવું કહેવામા આવ્યું છે કે, આમ આદમી પાર્ટી સસ્તી લોકપ્રિયતા માટે આવું કરી રહી છે. આમ સમસામેના આક્ષેપો અને પ્રતિઆક્ષેપોથી ગુજરાતનું રાજકારણ વધુ ગરમાયું છે.

આમ આદમી પાર્ટી - 'આપ'ના નેતાઓ ઈસુદાન ગઢવી અને મહેશ સવાણી ઉપર થયેલા હુમલા બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. આ રાજકારણ ગરમાવો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ હુમલા બાદ આપ અને ભાજપ બંને પક્ષોએ એક બીજા સામે આક્ષેપો કરવાનું શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટી -'આપ'નું કહેવુ છે કે, તેમના ઉપર હુમલો ભાજપના ઈશારે થયો છે. તો બીજી તરફ ભાજપ દ્વારા કહ્યું કે, આમ આદમી પાર્ટી સસ્તી લોકપ્રિયતા માટે આવુ કરી રહી છે.

આપના નેતા ઈસુદાન ગઢવીએ પોતાના જીવને જોખમ હોવાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ભાજપ સામે આક્ષેપો કર્યા છે કે, મને મારી નાંખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ભાજપના લોકો તેમને મારવા માટે ષડયંત્ર કરી રહ્યાં છે. ભાજપના ગુંડાઓથી તેમને જીવનું જોખમ છે. મારા પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે મારી અપીલ છે કે, તમારા આકાઓને કારણે તમે બદનામ ન થાઓ. એટલું જ નહિ ગૃહમંત્રીને વિનંતી છે કે મારા જીવની જવાબદારી તમારી છે.

આમ આદમી પાર્ટી ‘આપ’ના ઈસુદાન ગઢવીના આ દાવા અંગે ભાજપ દ્વારા પલટવાર કરવામાં આવ્યો છે. જેમાં ભાજપના નેતા અને મીડિયા ટીમના સભ્ય ભરત ડાંગરે જણાવ્યું હતું કે, સસ્તી પ્રસિદ્ધિ કરી લોકોની સહાનુભૂતિ મેળવવા માટે ‘આપ’ દ્વારા ખોટા આરોપો મૂકવામાં આવી રહ્યા છે. આ બાબત લોકોની સહાનુભૂતિ મેળવવાનો એક પ્રયાસ છે. જૂનાગઢની ઘટના તમારા નેતાઓના વાહિયાત વિદ્રોહને કારણે બની છે. ત્યારે તમારે લાજવાને બદલે તમે ગાજવાનુ કામ કરી રહ્યા છો. આ ઘટના અંગે તમારી પાર્ટીએ મનોમથન કરવાની જરૂર છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution